મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપે જાહેર કરી 99 ઉમેદવારની પહેલી યાદી, ફડણવીસને નાગપુર સાઉથ વેસ્ટથી ટિકિટ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કુલ 288 વિધાનસભા બેઠક પૈકી 99 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા તથા રાજ્યના ઉપમુખ્યમંત્રી ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ બાવનકુલે કામઠી, આશિષ શેલાર બાંદ્રા પશ્ચિમ, છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોંસલે સતારાથી ચૂંટણી લડશે.
ભાજપ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં ચૂંટણી લડવા જઈ રહ્યું છે. જેમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ), અને એનસીપી (અજિત પવાર) પક્ષ સામેલ છે. બેઠક ફાળવણી મુદ્દે છેલ્લા કેટલાક દિવસો સુધી યોજાયેલી લાંબી બેઠકો બાદ ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાયુતિ ગઠબંધન હેઠળ ભાજપ 150-160 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે, જ્યારે શિવસેના 75થી 85 બેઠકો પર ટિકિટ આપશે. એનસીપી 48-55 બેઠકો પર ઉમેદવારોને ટિકિટ આપી શકે છે.
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. જાહેર મુજબ 22 ઓક્ટોબરે નોટિફિકેશન, નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર, નોમિનેશન સ્ક્રુટિની 30 ઓક્ટોબર, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.