17000 કર્મચારીની છટણી, કાર્ગો પ્લેનનું પ્રોડક્શન બંધ કરીશું
એવિયેશન ક્ષેત્રની દિગ્ગજ કંપની બોઇંગે કર્મચારીઓની સંખ્યા 10 ટકા સુધી ઘટાડવાની યોજના બનાવી છે, જેમાં લગભગ 17,000 કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. બોઇંગે આ મામલે ગઇકાલે જ નોકરીમાં કાપની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું કે સિએટલ વિસ્તારમાં હડતાલને જોતા ત્રીજા ક્વાર્ટરમાં તેને ભારે નુકસાન થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીઈઓ કેલી ઓર્ટબર્ગે કર્મચારીઓ માટે જાહેર કરેલી એક રિલીઝમાં જણાવ્યું કે બોઈંગ હાલના ઓર્ડર પૂરા કર્યા બાદ 2027માં કોમર્શિયલ 767 માલવાહક વિમાનોનું ઉત્પાદન પણ બંધ કરશે. તેમણે કહ્યું કે કંપની વધતી જતી ખોટ અને મશીનિસ્ટોની હડતાલનો સામનો કરી રહી છે, જેના કારણે એરક્રાફ્ટ ફેક્ટરીઓમાં કામગીરી પાંચ અઠવાડિયા માટે રોકી દેવામાં આવી હતી. ચીફ એક્ઝિક્યુટિવ કેલી ઓર્ટબર્ગે જણાવ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્રની દિગ્ગજ કંપની બોઇંગ હાલના દિવસોમાં ઘણી નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે, જેને સુધારવા માટે કર્મચારીઓના સ્તરમાં ફરી ફેરફાર કરવા પડશે. વૈશ્વિક સ્તરે 17,000 કર્મચારીઓની છટણી કરાશે જેમાં એક્ઝિક્યુટિવ્સ, મેનેજર અને કર્મચારીઓ પણ સામેલ છે.