૧૪૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી ગુજરાતની સૌથી અત્યાધુનિક કચેરી
અમદાવાદમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવી પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી સાયબર સાથી નામના પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં સાયબર ક્રાઇમથી બચવા માટેની તમામ વિગતો જીણવટ પૂર્વક તૈયાર કરવામાં આવી છે. જેના કારણે લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે છે. સરદારનગરમાં એરપોર્ટ પાસે તૈયાર કરવામાં આવેલા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું પણ ઉદ્દઘાટન કરવાની સાથે તેરા તુજ કો નામના પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે નવી પોલીસ કમિશનર કચેરીમાં આધુનિક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. જેમાં પોલીસ કંટ્રોલ રૂમ, ફેસ રિકગ્નિશન સિસ્ટમ, વિડીયો એનાલીસીસ, ડેટા સેન્ટર, જેવી સુવિદ્યા છે. આ ઉપરાંત, અમદાવાદ પોલીસના ઇતિહાસને રજૂ કરતા મ્યુઝિયમ અને શહીદ પોલીસ કર્મીઓના બલિદાનના યાદ કરવા શહીદ સ્મારક પણ તૈયાર કરાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ કમિશનર જી એસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.