કેન્દ્રનું દિવાળી પહેલાં મોટું એલાન, રેલવેના કર્મચારીઓને 78 દિવસના બોનસની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મોટી યોજનાઓને મંજૂરી અપાઈ છે. દિવાળી પહેલા રેલવેના કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવા બેઠકમાં સહમતી સધાઈ હતી. આ સાથે ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને પણ મંજૂરી અપાઈ હતી. આ સિવાય ચેન્નઈ મેટ્રો ફેઝ-૨ને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ અપાશે. આ બોનસની ચૂકવણી દશેરા અને દિવાળી પૂજાની રચાઓ પહેલાં કરાશે. કેબિનેટના આ નિર્ણયનો રેલવેના અંદાજે ૧૨ લાખ કર્મચારીઓને લાભ મળશે.
રેલવે કર્મચારીઓને દિવાળીના તહેવારો પહેલાં ૭૮ દિવસનું બોનસ અપાશે. તેની પાછળ કુલ રૂ. ૨,૦૨૮ કરોડનો ખર્ચ થશે. આ બોનસ રેલવેના ૧૧,૭૨,૨૪૦ કર્મચારીઓને મળશે. કેબિનેટ બેઠક પછી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેના હાલ ૧૩ લાખથી વધુ કર્મચારી છે. તેમાંથી લગભગ ૧.૫૯ લાખ કર્મચારીઓ ગયા નાણાકીય વર્ષમાં જોડાયા હતા. સરકારે જાહેર કરેલા બોનસ મુજબ પ્રત્યેક કર્મચારીને ૭૮ દિવસ માટે મહત્તમ ૧૭,૯૫૧ રૂપિયા મળશે.
કેબિનેટે રેલવેના કર્મચારીઓને બોનસની સાથે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગેના નિર્ણયો પણ લીધા હતા. ખેડૂતો માટે સરકારે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્તિ યોજના જાહેર કરી છે. આ બંને યોજનાઓ માટે રૂ. ૧,૦૧,૩૨૧ કરોડનું બજેટ નિશ્ચિત કરાયું છે. આ બંને યોજના હેઠળ ૯-૯ યોજનાનો સમાવેશ કરાયો છે. તેમાં અનેક બાબતોનું સીધું જોડાણ ખેડૂતોની આવક અને મધ્યમ વર્ગ પરિવારોની થાળી સાથે છે.
આ સાથે કેન્દ્રીય કેબિનેટે ૨૦૨૦-૨૧થી ૨૦૨૫-૨૬ના સમય માટે મોટા બંદરો અને ડોક લેબર બોર્ડ્સના કર્મચારીઓ અને કામદારો માટે પ્રોડક્ટિવ લિંક રિવોર્ડ (પીએલઆર) યોજનામાં સુધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ૨૦,૭૦૪ કર્મચારીઓને લાભ મળશે અને આ યોજના પાછળ સરકારને રૂ. ૨૦૦ કરોડનો ખર્ચ થશે.
પીએલઆર યોજના હેઠળ વળતરની ગણતરી હવે ઓલ-ઈન્ડિયા પરફોર્મન્સના બદલે પોર્ટ સ્પેસિફિક પરફોર્ન્સના આધારે થશે. વ્યક્તિગત પોર્ટ પરફોર્મન્સ માટેનું વેઈટેજ ૨૦૨૫-૨૬ સુધીમાં ક્રમશ: ૫૦ ટકાથી વધારીને ૬૦ ટકા કરાશે જ્યારે ઓલ ઈન્ડિયા પરફોર્મન્સ વેઈટેજ ૪૦ ટકા સુધી ઘટાડાશે. બોનસની ગણતરી માટે પગારની મર્યાદા માસિક રૂ. ૭,૦૦૦ કરવામાં આવી છે. વધુમાં કેબિનેટે ચેન્નઈ મેટ્રો ફેઝ-૨ને પણ મંજૂરી આપી દીધી છે. તેની પાછળ ૬૩,૨૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.