વિશ્વનો સૌથી મોટો ચીનનો ડેમ ભારત માટે ખતરો, પૃથ્વીનું પરિભ્રમણ પણ ધીમું પાડતો હોવાનો દાવો
‘થ્રી ગોર્જેસ ડેમ’ના લીધે પૃથ્વીના પરિભ્રમણની ગતિને અસર થઈ રહી હોવાની ચર્ચા શરુ થઈ છે. વિજ્ઞાનીઓના મતે આ વિશાળ બંધને કારણે પૃથ્વીનું પરિભ્રમણ ધીમું થઈ રહ્યું છે. ચીનમાં બનેલા દુનિયાના સૌથી મોટા બંધ ‘થ્રી ગોર્જેસ ડેમ’નું બાંધકામ શરુ થયેલું ત્યારથી આ બંધ ચર્ચામાં રહ્યો છે. ક્યારેક એના વિશાળ કદના કારણે તો ક્યારેક એના થકી ભારતમાં જળસંકટ ઊભું કરવાના ચીનના ઇરાદાને કારણે! હુબેઈ પ્રાંતમાં યાંગત્સે નદી પર બનેલા આ બંધ બાબતે તાજેતરમાં એક અલગ પ્રકારની ચર્ચા શરુ થઈ છે. ચાલો જાણીએ કે, ચિંતાજનક લાગે એવી એ ચર્ચા છે શું?
‘થ્રી ગોર્જેસ ડેમ’ અત્યંત વિશાળ છે. તેની લંબાઈ 2,335 મીટર (7,661 ફીટ) એટલે કે 2.3 કિલોમીટર છે, અને ઊંચાઈ 185 મીટર (607 ફીટ) છે. તેના દ્વારા સંગ્રહાયેલા પાણીનો જથ્થો છે 40 ઘન કિલોમીટર (9.6 ઘન માઇલ). તોતિંગ કદ અને એના જળાશયમાં સંઘરાયેલા પાણીના મબલખ જથ્થાને કારણે આ ડેમ પૃથ્વીના પરિભ્રમણને ધીમું પાડી રહ્યો છે, એવી ચર્ચા જામી છે. મુદ્દો સમજવા માટે થોડું વિજ્ઞાન સમજીએ. સૌપ્રથમ તો ‘જડત્વનો સિદ્ધાંત’ સમજીએ. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ તરીકે પણ ઓળખાતો જડત્વનો સિદ્ધાંત જણાવે છે કે, જ્યાં સુધી બાહ્ય પરિબળ અસરકર્તા ન બને ત્યાં સુધી કોઈપણ પદાર્થ તેની સ્થિર અથવા ગતિમાન સ્થિતિ જાળવી રાખે છે. પદાર્થની પોતાની સ્થિતિમાં પરિવર્તનનો પ્રતિકાર કરવાની વૃત્તિ તે જડત્વ.
કોઈપણ પદાર્થને લગતાં દળનું વિતરણ કઈ રીતે થાય છે એને આધારે ગતિમાન પદાર્થના પરિભ્રમણમાં વધ-ઘટ થાય છે. ધારો કે, સ્કેટિંગ કરનાર વ્યક્તિ એક જગ્યાએ ઊભા ઊભા ગોળગોળ ફરે છે અને એના હાથ ફેલાયેલા છે. હવે એ હાથ સંકોરીને છાતીસરસા ચાંપી લે છે. એ સાથે જ એના ફરવાની ગતિ આપોઆપ વધી જશે. હાથના દળના વિતરણનું સ્થાન બદલાયું હોવાથી આમ થાય છે. બિલકુલ આ જ સિદ્ધાંત પર પૃથ્વીનું પરિભ્રમણ પણ થાય છે. ગઈકાલ સુધી જે જથ્થો એકત્ર નહોતો, એ જળજથ્થો ‘થ્રી ગોર્જેસ ડેમ’ દ્વારા એકસ્થળે ભેગો થતાં એના ‘દળ’ને લીધે પૃથ્વીની ચાલ ધીમી પડી રહી છે, એનું પરિભ્રમણ ધીમું થઈ રહ્યું છે.
‘થ્રી ગોર્જેસ ડેમ’ને લીધે પૃથ્વીના પરિભ્રમણમાં નજીવો ફરક પડ્યો છે. એને પરિણામે એક દિવસની લંબાઈમાં અંદાજે 0.06 માઇક્રો સેકન્ડ જેટલો સમયવધારો નોંધાયો છે. પૃથ્વીના પરિભ્રમણને ધીમું કરવા ઉપરાંત ડેમને લીધે પૃથ્વીના ધ્રુવ(pole) લગભગ 2 સેન્ટિમીટર જેટલા ખસી શકે છે, એવું નિષ્ણાતોનું માનવું છે. આટલા નજીવા ફેરફારને લીધે પૃથ્વી જેવા વિશાળ ગ્રહને કંઈ પ્રતિકૂળ અસર થાય એમ નથી, પણ એનાથી એક વાત સાબિત થાય એમ છે કે હદ ઉપરાંતનો માનવહસ્તક્ષેપ કુદરતના ચક્રમાં આ રીતે પણ ખલેલ પહોંચાડી શકે છે. પ્રગતિની આંધળી દોટમાં આગળ ધપી રહેલી માનવજાત માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય. ‘થ્રી ગોર્જેસ ડેમ’ જેવી માનવીય પ્રવૃત્તિઓ ઉપરાંત પૃથ્વીનું પરિભ્રમણ ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ, સમુદ્રી પ્રવાહો અને વાતાવરણીય ફેરફારોથી પણ પ્રભાવિત થતું હોય છે. ભૂકંપ અને સુનામી જેવી કુદરતી ઘટનાઓ ચીનના ડેમ કરતાં ક્યાંય વધુ અસરકારક નીવડતી હોય છે.
2004ના હિંદ મહાસાગરમાં આવેલા ભૂકંપ અને સુનામીને કારણે પૃથ્વીના પરિભ્રમણમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો. એ વિનાશક ઘટનાએ એક દિવસની લંબાઈમાં 2.68 માઇક્રોસેકન્ડ્સનો ઘટાડો કરી નાંખ્યો હતો, એટલે કે દિવસ એટલો ટૂંકો થઈ ગયો હતો. જોકે, આવી અસરો કાયમી નથી હોતી. શરીર પર વાગેલાના ઘા સમય જતાં આપોઆપ રુઝાઈ જતાં હોય છે એમ કુદરતી આપત્તિને કારણે થયેલા પરિવર્તનો સમય જતાં આપોઆપ થાળે પડી જતા હોય છે. અલબત્ત, ચીનના ડેમની સ્થિતિ કાયમી રહેવાની છે.
‘થ્રી ગોર્જેસ ડેમ’નું બાંધકામ 1994માં શરુ થયું હતું. 2012માં એ બનીને તૈયાર થયો હતો. સંપૂર્ણ પ્રોજેક્ટનો ખર્ચ હતો 30 બિલિયન અમેરિકન ડૉલર. આધુનિક એન્જિનિયરિંગના ઉત્તમ નમૂના એવા વિશ્વના આ સૌથી મોટા ડેમમાં 22,500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. યાંગત્સે નદીમાં આવતાં પ્રચંડ પૂરને લીધે ચીનને દર વર્ષે અબજોનું નુકસાન થતું હતું. ‘થ્રી ગોર્જેસ ડેમ’ને લીધે નદીના પ્રવાહને નાથી શકાયો છે. હવે પૂરની સમસ્યા નથી રહી. કોઈપણ ડેમ બને ત્યારે સૌથી પહેલાં ઘડો લાડવો થતો હોય છે પર્યાવરણનો. એ પછી સમસ્યા સર્જાય છે વિસ્થાપનની. ‘થ્રી ગોર્જેસ ડેમ’ના કિસ્સામાં પણ એમ જ બન્યું હતું. લાખો લોકોની વીજળીની જરૂરિયાતો પૂરી પાડતી આ યોજના ચીન માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ હોવા છતાં આ ડેમ સતત વિવાદમાં રહ્યો છે. એના કારણો છે…
ડેમને કારણે પર્યાવરણ પર પ્રતિકૂળ અસર પડી છે. એના જળાશયમાં 1000 ચોરસ કિલોમીટર જમીન ડૂબમાં ગઈ છે, જેને લીધે જંગલો સફાચટ થઈ જતાં લાખો વન્યજીવોના રહેઠાણ છીનવાઈ ગયા છે. ડેમને લીધે બનેલું વિશાળ જળાશય 1000 ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે, જેને લીધે 1,680 ગામડાં, 114 નગર અને 2 આખેઆખા શહેર ડૂબમાં ગયા છે અને 13 લાખથી વધુ નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું છે. ડેમને લીધે ઘણાંં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો નાશ થયો છે. ડેમ બનતાં યાંગત્સે નદીના પ્રવાહમાં ફેરફાર થયો છે, જેણે નદીની કુદરતી ઇકોસિસ્ટમને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. તેને લીધે માછલીઓની વસ્તીમાં ઘટાડો થયો છે અને જૈવ વૈવિધ્ય જોખમાયું છે. નદીના કાંપના પ્રવાહમાં ફેરફાર થઈ ગયો છે, જેને લીધે જમીનનું ધોવાણ થયું છે.
‘થ્રી ગોર્જેસ ડેમ’ને કારણે સમયચક્રમાં થનારો ફેરફાર નજીવો હોવાથી હાલ તુરંત તો એની ફિકર કરવા જેવી નથી. વર્તમાનમાં એનાથી માનવ જીવનમાં બહુ ફરક નથી પડવાનો, પણ લાંબે ગાળે, અમુક દાયકાઓ પછી, એવું બની શકે કે એક મિનિટમાં 60ને બદલે ફક્ત 59 સેકન્ડ રહી હોય. એમ બન્યું તો અણુ ઘડિયાળો જેવા વૈજ્ઞાનિક સાધનોને ફરીથી સેટ કરવાની જરૂર પડી શકે છે. આ કારણસર જીપીએસ અને સેટેલાઇટનું કામ ખોરવાતાં એની પ્રતિકૂળ અસર પૃથ્વી પરના નાણાકીય વ્યવહારોને અસર કરી શકે છે.