અમેરિકામાં ફરી મંદિર પર હુમલો, 'હિન્દુઓ પાછા જાઓ'ના સૂત્રો લખ્યાં, હિન્દુમીસિયામાં ઉછાળો
અગાઉ આવી ઘટના ન્યુયોર્કમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે બની હતી. જેના પરથી કહી શકાય કે અમેરિકામાં હિન્દુમીસિયામાં વધારો થઈ રહ્યો છે. હિન્દુમીસિયા અંગ્રેજીનો શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુઓથી નફરતને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. તેને હિન્દુફોબિયા પણ કહી શકાય. જોકે, બંને વચ્ચેનો તફાવત એ છે કે હિન્દુફોબિયાનો અર્થ છે ડર અથવા તેમનાથી અંતર રાખવું. જ્યારે હિંદુમીસિયા એટલે તેમનાથી નફરત કરવી.
અમેરિકાના કેલફોર્નિયામાં હિન્દુ ધર્મના આરાધના સ્થળે મોટો હુમલો કરાયો છે. છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે આ રીતે કોઈ હિન્દુ ધર્મસ્થાનને નિશાને લેવાયો હોય. આટલું જ નહીં પણ આ દરમિયાન સ્વામીનારાયણ મંદિરમાં હિન્દુવિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યા હતા. અસામાજિક તત્વોએ તો 'હિન્દુઓ પાછા જાઓ' ના સૂત્રો પણ લખી દીધા હતા. આ ઘટના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની હતી.
સેક્રામેન્ટોની સ્થાનિક સંસ્થાએ પણ આ હુમલાની પુષ્ટિ કરી હતી. તંત્રનું કહેવું છે કે મંદિરમાં ફક્ત તોડફોડ જ નહોતી કરાઈ પરંતુ ત્યાંની પાઇપલાઇન પણ બદમાશો દ્વારા કાપી નાખવામાં આવી હતી. આ તોડફોડ બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા. આ લોકોમાં સ્થાનિક સરકારી અધિકારીઓ અને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સભ્ય સ્ટીફન નગુયેન પણ સામેલ હતા.અગાઉ ન્યૂયોર્કમાં પણ મંદિર પર હુમલો થયો હતો. ત્યારે પણ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ હુમલામાં ખાલિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે.
આ હુમલા અંગે માહિતી સ્વામી નારાયણ મંદિર તરફથી આપવામાં આવી હતી. મંદિર તરફથી જણાવાયું હતું કે, 'ન્યૂયોર્કમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલાના 10 દિવસ બાદ આ બીજો હુમલો છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવાયું છે. આ દરમિયાન 'હિંદુઓ પાછા જાઓ' કહેતા સૂત્રો લખવામાં આવ્યા હતા. અમે આ નફરત સામે એકજૂટ છીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.