ઓસ્ટ્રોલિયાએ ભારત સહિત આ એશિયાઈ દેશો માટે શરૂ કર્યા વર્ક હોલિડે વિઝા
એક તરફ દુનિયાના અનેક દેશો વિઝાના નિયમોને સખ્ત કરી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ અલગ જ રાહ પકડી છે. તેમણે ભારતીયો માટે વર્ક એન્ડ હોલિડે વિઝાની શરૂઆત કરી છે. આ ખાસ છૂટ અંતર્ગત ભારતના લોકો અહીં ફરવા સહિત કામચલાઉ ધોરણે કામ પણ કરી શકે છે. અત્યાર સુધી આ વર્ક હોલિડે વિઝા યુરોપિયન નાગરિકો સુધી જ સિમિત હતા
ભારતીય યુવાનો ફરવાની સાથે ખર્ચા કાઢવા ઓસ્ટ્રેલિયામાં કામ પણ કરી શકશે
સોમવારે ઓસ્ટ્રેલિયાઈ સરકારે ભારતીયો માટે વિઝાની નવી પોલિસી શરૂ કરી છે. માઈગ્રેશન એમેન્ડમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત થયેલા બદલાવમાં ભારતના લોકો ઓસ્ટ્રેલિયા જઈને છુટ્ટીઓ મનાવવાની સાથે કામ પણ કરી શકશે. દર વર્ષે આ છૂટ 1000 ભારતીય યુવાનોને મળશે. તેને વર્ક એન્ડ હોલિડે વિઝા કે બેકપેકર વીઝા પણ કહી શકાય છે. એક તરફ પશ્ચિમી દેશો ઘૂસણખોરો અને પ્રવાસીઓને લઈને ડરેલા છે. તો ઓસ્ટ્રેલિયાના બેકપેકર વિઝા યુવાઓને એન્ટ્રી આપી રહ્યા છે. તો સવાલ એ છે કે શું આ દેશને ઘૂસણખોરીનો ડર નથી ?
ઓસ્ટ્રેલિયાએ ભારતીયો માટે તેની વિઝા પોલિસીમાં કર્યા બદલાવ
આ નિર્ણય ઓસ્ટ્રેલિયા-ભારત આર્થિક સહયોગ અને વેપાર કરાર હેઠળ લેવામાં આવ્યો છે. આ કરાર 2022 ના અંતમાં અમલમાં આવ્યો હતો. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયન નિકાસ પર 80 ટકા સુધીની ડ્યુટી નાબૂદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય ઘણા ક્ષેત્રોમાં પરસ્પર મદદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. નવો વિઝા પ્રોગ્રામ હવે આ જ સમજૂતિનો એક હિસ્સો છે. તેનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને મજબૂત કરવાનો છે. મતલબ કે યુવાનો ત્યાં જઈને સ્થાનિક પરંપરાઓ અને સંસ્કૃતિને નજીકથી જોઈ શકશે. ઇન્ટરનેશનલ માર્કેટને પણ સમજી શકશે. મુસાફરી કરતી વખતે, તેઓ અસ્થાયી રૂપે કામ પણ કરી શકે છે જેથી તેઓ તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને સબક્લાસ 462ના વિઝા પ્રોગ્રામમાં સામેલ કર્યુ
ઓસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલય અનુસાર, ભારતને સબક્લાસ 462 (વર્ક અને હોલિડે) વિઝા પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતની સાથે ચીન અને વિયેતનામ પણ આ યાદીમાં નવા ઉમેરાયા છે. આ ઉપરાંત ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મલેશિયા પણ તેમાં સામેલ છે.
દર વર્ષે 18 થી 30 વર્ષના 1000 ભારતીય યુવાનોને મળશે આ લાભ
માઈગ્રેશન એક્ટમાં થયેલા આ સંશોધનની સાથે જ 18 થી 30 વર્ષની વયના ભારતીય પાસપોર્ટ ધારકો ઑસ્ટ્રેલિયા જઈને ફરવા ગયા હશે તો પણ કામ કરવા માટે એલિજિબિલ છે. પરંતુ આ માટે તેમણે કેટલીક શરતો પૂરી કરવી પડશે. જેમ કે તેઓને કામચલાઉ અંગ્રેજી આવડવી જોઈએ.અથવા એ દેશમાં પહોંચ્યા પછી રહેવા-જમવાના ખર્ચને પહોંચી વળવાની વ્યવસ્થા હોવી જોઈએ. સાથે જ તે સ્વસ્થ હોય અને કોઈ ક્રિમીનલ રેકોર્ડ ન ધરાવતા હોવા જોઈએ. આ પરિવર્તનની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતથી આવતા અરજદારોએ તેમની સરકાર તરફથી સમર્થનનો પુરાવો આપવાની જરૂર નથી. મોટાભાગના દેશોના અરજદારો માટે આ સ્થિતિ હજુ પણ છે.
ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલય અનુસાર ભારતીય નાગરિકો માટે લોટરી સિસ્ટમ હશે. ઉમેદવારોએ અરજી કરીને નોંધણી કરાવવી પડશે, ત્યારબાદ દર વર્ષે લોટરી દ્વારા 1000 લોકોની પસંદગી કરવામાં આવશે જેમને ઓસ્ટ્રેલિયા જવાની તક મળશે. ભારત માટે, વય મર્યાદા 18 થી 30 વર્ષ છે, જ્યારે ફ્રાન્સ, કેનેડા અને આયર્લેન્ડ માટે, વય મર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. જો 31 વર્ષની ઉંમર સુધી ભારતીય ઉમેદવારોની પસંદગી કરવામાં ન આવે તો તેમનું નામ આપોઆપ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.
ઑસ્ટ્રેલિયા ઉપરાંત, અન્ય ઘણા દેશો પણ વર્ક-હોલિડે વિઝા આપે છે, જેમ કે ન્યુઝીલેન્ડ, કેનેડા, જાપાન, યુનાઇટેડ કિંગડમ, જર્મની, આયર્લેન્ડ, સિંગાપોર, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા. દરેક દેશની અલગ-અલગ વર્ક-હોલિડે વિઝા પોલિસી હોય છે, જે બે દેશો વચ્ચે દ્વિપક્ષીય કરારો પર કામ કરે છે. પરંતુ હાલમાં આવા સ્પેશિયલ વિઝા આપતા લગભગ તમામ દેશો માત્ર પડોશી કે પશ્ચિમી દેશોને જ આ તક આપી રહ્યા છે. આ દિવસોમાં અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશો ઇમિગ્રન્ટ્સનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેઓ કહે છે કે સ્થળાંતર કરનારાઓની વધતી વસ્તીને કારણે તેમની પોતાની ઓળખ ખોવાઈ રહી છે. સ્થાનિકો પણ સંસાધનોની વહેંચણી પર નારાજ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા આ સમયે ઉદાર વિઝા નીતિ બનાવી રહ્યું છે. તો શું આ દેશમાં ગેરકાયદે ઈમિગ્રેશનની કોઈ સમસ્યા નથી કે પછી તે જોખમથી વાકેફ નથી?
આ દેશમાં લગભગ 75 લાખ પ્રવાસીઓ છે, જેમાંથી લગભગ 8 લાખ ભારતીયો છે. જે સ્કિલ્ડ લેબર અને કામદારો બંને છે. જેઓ ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખે છે. પરંતુ અહીં પણ ગેરકાયદે ઘૂસણખોરી થઈ રહી છે. ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, ત્યાં 1 લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે રહે છે. વર્ષ 2018માં તેમની સંખ્યા 60 હજારની આસપાસ હતી. એટલે કે ઓસ્ટ્રેલિયા પણ આમાંથી બાકાત તો નથી જ.
હવે ગૃહ મંત્રાલય દસ્તાવેજો વિના આવતા લોકોને રોકવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે, જેમ કે લોકોને પાણી પાર કરે એ પહેલા જ રોકવા અને ડિટેન્શન પછી ડિપોર્ટ કરી દેવા. જો કોઈ ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરે છે, તો તેની અટકાયત કરવામાં આવે છે. મુખ્ય ભૂમિ ઉપરાંત, આ અટકાયત કેન્દ્રો પાપુઆ ન્યુ ગિની અને નૌરુમાં પણ બનાવવામાં આવ્યા છે.