સોસાયટીમાં 'વિવાદનું ઘર' કહેવાતી ટ્રાન્સફર ફીના માળખામાં થશે ધરખમ ફેરફાર, 33 વર્ષ બાદ કાયદામાં સુધારો થશે
33 વર્ષ બાદ રાજ્ય સરકારે ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી ઍક્ટમાં સુધારો કર્યો છે. જેના કારણે સોસાયટીઓ દ્વારા આડેધડ રીતે વસુલાતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે. ઍક્ટમાં સુધારાને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે અને સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે.
પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી
સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી લઈ શકાશે. નવા નિયમ મુજબ કોઈપણ પ્રકારની સોસાયટી હશે તો પણ તમામ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. જેથી હવે સોસાયટીઓ દ્વારા વિવિધ ફંડ અને અલગ-અલગ નામે ઉઘરાવવામાં આવતાં ફાળા પર લગામ લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફીની રકમ 1991માં નક્કી કરવામાં આવી હતી.
કેમ ટ્રાન્સફર ફીના નિયમોમાં કરવો પડ્યો ફેરફાર
સોસાયટીઓમાં મોટાભાગે સૌથી વધુ વિવાદ ટ્રાન્સફર ફીને લઈને સર્જાતો હોય છે, રાજ્યભરની સોસાયટીઓમાં વિવિધ ફાળા પેટે ટ્રાન્સફર ફી વસૂલવામાં આવતી હોય છે. જેનો ઉપયોગ સોસાયટીના વિકાસ કાર્યો માટે કરવામાં આવતો હોય છે. પરંતુ તેમ છતાં મોટાભાગની સોસાયટીઓમાં વિવાદ અને ઝઘડાનું મુખ્ય કારણ ટ્રાન્સફર ફી હોય છે. ઘણીવાર સોસાયટીના સભ્યો અને ફ્લેટ ખરીદનાર નવા સભ્યો વચ્ચે રકઝક સર્જાતી હોય છે. હાલ કો-ઓપરેટિવ સોસાયટીઓમાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટી અને ફ્લેટ ધારકો પાસેથી 500 રૂપિયાથી માંડીને 50,000 સુધીની ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં સોસાયટી દ્વારા મનફાવે તેમ ટ્રાન્સફર ફી વસૂલવામાં આવતી હોય છે.
નવા નિયમ મુજબ આ રીતે નક્કી કરાશે ટ્રાન્સફર ફી
રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફીની રકમ 1991માં નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે 33 વર્ષ બાદ રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીના નિયમોમાં સુધારો કર્યો છે. જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી લઈ શકાશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી ઍક્ટ-1961ના નિયમોમાં જે સુધારો કર્યો છે તેને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે અને સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે.
સોસાયટીઓ દ્વારા કેમ વસૂલવામાં આવે છે ટ્રાન્સફર ફી
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ સોસાયટીમાં ફ્લેટ ખરીદે છે, ત્યારે સોસાયટી દ્વારા નક્કી કરાયેલી ટ્રાન્સફર ફી વસૂલવામાં આવે છે. જેને સોસાયટીના વિકાસ કાર્યો માટે ખર્ચ કરવામાં આવે છે. તે રકમ સોસાયટી ફંડમાં જમા કરવાની હોય છે. દરેક સોસાયટી વિકાસ ફંડ, ડૅવલોપમેન્ટ ફી, ટ્રાન્સફર ફી વગેરે અલગ-અલગ નામે ઉઘરાવે છે. પરંતુ કેટલીક સોસાયટીમાં મનફાવે તેમ ફી નક્કી કરવામાં આવતાં અવાર-નવાર વિવાદો સર્જાતા હોય છે. પરંતુ નવા નિયમ લાગુ કરાયા બાદ વિવાદોનો અંત આવી જશે.
ટ્રાન્સફર ફી પાછી મળે ખરી?
ધારકો કોઇ ફ્લેટધારકે ટ્રાન્સફર ફી ભરી છે અને થોડા સમય તે મકાન વેચી નાખે છે. તો તેવા કિસ્સામાં તેને સોસાયટી દ્વારા ટ્રાન્સફર ફી પરત મળતી નથી. કારણ કે જ્યારે ફ્લેટ ધારક વેચાણ કરે છે ત્યારે તમામ ખર્ચ ગણીને મકાન કિંમત મૂકે છે, જેમાં ટ્રાન્સફર ફી, હાલમાં ચાલી રહેલા પ્રોપર્ટીના ભાવ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે વ્યક્તિ ફ્લેટ અથવા મકાન ખરીદે છે તેને નિયમ કરેલી ટ્રાન્સફર ફી ભરવાની રહે છે.
સોસાયટી કેવી રીતે નક્કી કરે છે ટ્રાન્સફર ફી
સોસાયટી દ્વારા દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા(એ.જી.એમ.)નું આયોજન કરવામાં આવે છે. જેમાં સોસાયટીના સભાસદોની હાજરીમાં સોસાયટીના નિયમો, આવક-જાવક વિગતો રજૂ કરવામાં આવે છે. જેમાં સોસાયટીના સભાસદો દ્વારા સોસાયટીના વિકાસ કાર્યો, ટ્રાન્સફર ફી વગેરે નક્કી કરી ઠરાવ પાસ કરવામાં આવે છે. જેનું સર્વે ફ્લેટધારકોએ પાલન કરવાનું હોય છે.