આભા કાર્ડ ના હોય તો કઢાવી લો, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર ચાલુ થઈ જશે!
આભા કાર્ડ કઢાવી લેનારને ભારતના કોઈપણ ખૂણે અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તેના આભા કાર્ડની મદદથી તમામ કેસ હિસ્ટ્રી મેળવી લઈને ભારતભરની હૉસ્પિટલ્સમાં સારવાર ઝડપથી ચાલુ કરી શકાશે. આ આભા કાર્ડ તમે કોઈ પણ જાતની તકલીફ વિના તમારો આધારકાર્ડ અને અન્ય વિગતો ઓનલાઇન અપલોડ કરીને પોતે પણ ઇશ્યુ કરાવી શકો છો. અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓનું કહેવું છે કે આભા કાર્ડ કઢાવનારને આખા ભારતમાં રૂ. 5 લાખ સુધીના ખર્ચની સારવાર મફતમાં મળી શકે છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની પાંચ લાખ અને રાજ્ય સરકારની પાંચ લાખ મળીને કુલ રૂ. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળે છે.
આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ આભા કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. તેમ શક્ય ન બને તો તમે અમદાવાદના 84માંથી કોઈપણ અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આભા કાર્ડ કઢાવવા માટેની ઓનલાઇન અરજી કરાવડાવીને ગણતરીની મિનિટોમાં કાર્ડ મેળવી શકો છો. હા, તમારો મોબાઇલ ફોન નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. તેમાં ઘરનું સરનામું અને તેના સ્વજનોના નંબર પણ મળી જશે. વીમા કંપનીઓ પણ સમય જતાં તેની સાથે લિંંક કરી દેશે. પરિણામે સમય જતાં તેના થકી વીમા ક્લેઇમ પણ સેટલ થઈ શકશે.
આભા કાર્ડ ધરાવનારાને કોઈપણ હૉસ્પિટલમાં સારવાર લેવા જતાં પહેલા તેના જૂના રિપોટ્ર્સની ફાઇલ પણ લઈ જવી પડશે નહિ. આભા કાર્ડ કઢાવ્યા પછી કોઈ પણ ડૉક્ટર પાસે સારવાર લેતી વખતે તેનો નંબર આપીને સારવાર લેશો તો આભા કાર્ડ પર જ તમારા આરોગ્યનો સંપૂર્ણ રૅકોર્ડ બનશે અને સચવાઈ પણ રહેશે. આભા કાર્ડમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, તમારી બીમારીઓ તથા અન્ય શારીરિક સમસ્યાઓ તેમ જ સારવાર દરમિયાન ડૉક્ટરે તમને આપેલી દવાઓ અને ડૉક્ટર સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત થઈ શકશે.
અમદાવાદના જ અર્બન હેલ્થ સેન્ટરના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, ‘શારીરિક તકલીફ થાય ત્યારે જૂના રૅકોર્ડ કે ડૉક્ટર પાસે લીધેલી સારવારની ફાઇલ શોધવામાં તકલીફ પડે છે. પરંતુ જેમની પાસે આભા કાર્ડ હશે તેમને આ તકલીફ નડશે નહિ. માત્ર કાર્ડ લઈ જશો તો ડૉક્ટરને તમારી આખી હિસ્ટ્રી મળી જશે. કાર્ડ પણ ભૂલી જશો અને આભા કાર્ડનો નંબર યાદ રાખી લેશો તો પણ તમારી સંપૂર્ણ કેસ હિસ્ટ્રી ડૉક્ટરને મળી જશે. આમ તમે માત્ર હૉસ્પિટલમાં કે ડૉક્ટર પાસે જઈને તમારા આભા કાર્ડનો ડિજીટલ આઇડી આપશો તો તમારું કામ થઈ જશે.’
આભા કાર્ડમાં લેબ ટેસ્ટના દરેક રિપોર્ટ પણ સ્ટોર થઈ શકશે. પરિણામે અજાણ્યા ડૉક્ટર્સ પણ તમને વ્યવસ્થિત સારવાર આપી શકશે. આભા કાર્ડ ઇશ્યુ કરાવ્યા બાદ જીવન દરમિયાન જેટલી પણ સારવાર લીધી હશે અને તમારા જે કોઈ મેડિકલ રૅકોર્ડ બન્યા હશે તે તમામ રૅકોર્ડ તેના પર આવી જશે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાંમાં વસતા નાગરિક પાસે પણ આભા કાર્ડ હશે તો તે ટેલિમેડિસિનના માઘ્યમથી અમદાવાદના ડૉક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે.
ખાનગી ડૉક્ટરની સેવાઓ પણ સરળતાથી મળી શકશે. આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ લિંક કરી દેવામાં આવી છે. પરિણામે આભા કાર્ડ ધારકને વીમા કંપનીઓની સેવા પણ સરળતાથી મળી શકશે. દરેક દરદી હૉસ્પિટલ્સ, વીમા કંપની અને ક્લિનિક સાથે તેનો આરોગ્યનો રૅકોર્ડ આસાનીથી આપી પણ શકશે.