હવે વિદ્યાર્થીઓ વાહન લઈને સ્કૂલે ગયા તો વાલીની ખેર નહીં... DEO, RTO અને પોલીસ સાથે મળીને ડ્રાઇવ યોજશે
અમદાવાદમાં સગીરો વાહનો ચલાવતા હોવાના અને તેના કારણે અકસ્માત સર્જાયા હોવાના કિસ્સાઓ વધ્યા છે. જેને લઈને અમદાવાદ ગ્રામ્ય DEO એક્શન મોડમાં આવ્યા છે અને સગીરો શાળામાં વાહન લઈને ન આવે તે માટેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેની સૂચના શાળાઓને પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત, આગામી દિવસમાં ટ્રાફિક-પોલીસ અને RTO, DEO સાથે મળીને ડ્રાઇવ પણ કરવામાં આવશે. જાહેર કરાયેલા પરિપત્ર વિરૂદ્ધ જો કોઈ બાળક વાહન સાથે પકડાશે, તો તેના માતા-પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શાળાએ વાલીઓને જાણ કરવાની રહેશે
સમગ્ર મામલે DEO દ્વારા શાળાના પાર્કિંગમાં જઈને પણ સઘન તપાસ કરવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી વાહન ચલાવતું ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલીઓને પણ પરિપત્રને લઈને જાણકારી આપી દેવા શાળાઓને સૂચના અપાઈ છે. ત્યારબાદ DEO દ્વારા RTO અને ટ્રાફિક-પોલીસને સાથે રાખીને ઓચિંતું ચેકિંગ કરાશે.
અમદાવાદ ગ્રામ્ય DEOએ શું કહ્યું?
અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ કહ્યું કે, 'મોટર વ્હીકલ ઍક્ટ પ્રમાણે બાળકોને 125 સીસી કરતાં વધુના વાહનો ચલાવવાની મંજૂરી નથી. તેવામાં બાળકો પોતાને, શાળાને અને વાલીઓને મુશ્કેલીમાં મૂકીને વાહનો લઈને શાળાએ જતાં હોય છે. જેમાં શાળામાં વિદ્યાર્થી વાહન લઈને આવે તો આચાર્ય દ્વારા વાલીઓને જાણ કરવી પડશે. આગામી દિવસમાં થનારી ડ્રાઇવમાં જો કોઈ બાળક વાહન લઈને શાળાએ જશે તો તેની સામે કાર્યવાહી થશે.'