કચ્છના વિવિધ વિસ્તારોમાં ટપોટપ મૃત્યુ રહસ્યમય ફ્લૂ નહીં પણ આ કારણે થયા: આરોગ્યમંત્રીનો દાવો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છમાં અબડાસા અને લખપત તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોની સ્થિતિ વિશે અને રોકથામ માટે લેવામાં આવેલા તબીબી પગલાઓ વિશે વિસ્તૃત જાણકારી અધિકારી ઓ પાસેથી મેળવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કચ્છ આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે આરોગ્ય મંત્રીને અવગત કરાવ્યા હતા.
કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવથી માલધારી જત સમાજના ૧૭ લોકોના મોત નીપજી ચુક્યા છે. દર્દીઓના મોત ચોક્કસ કઈ બિમારીથી થયા છે તે જાણવા હજુ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે તે વચ્ચે કચ્છ દોડી આવેલા રાજયના આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે, ૧૧ ના મૃત્યુ ફ્લૂ, ન્યુમોનિયા તેમજ પાંચના હાર્ટ એટેક અને કેન્સર સ્ટ્રોકના લીધે થયા છે. ભેદી રોગચાળાની ઘટના બાદ ભુજ ખાતે આરોગ્ય મંત્રીએ કચ્છ જિલ્લા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં, આરોગ્ય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ ૩ સપ્ટેમ્બરથી અત્યાર સુધી બંને તાલુકામાં જે પણ મૃત્યુ નોંધાયેલા છે તે પૈકી પ મૃત્યુ હાર્ર્ટ અટેક, કેન્સર સ્ટ્રોકના લીધે થયા છે, જે ચોક્કસ કોઈ એક રોગના લીધે થયા નથી. જ્યારે ૧૧ મૃત્યુ ફ્લૂ અને તેનાથી થતા ન્યૂમોનિયા અને અન્ય મેડિકલ કોમ્પ્લિકેશનના લીધે થયા છે. જે સંદર્ભે રાજ્ય સરકારે તાત્કાલિક સર્વેલન્સ અને ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અમલમાં મૂક્યા છે.
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ સુપર ક્લોરિનેશન, અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફસફાઈ, સ્ક્રીનીંગ વગેરે બાબતો ઉપર ભાર મૂકીને જિલ્લા આરોગ્ય તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. બી.જે. મેડિકલ કોલેજ મેડિસિન વિભાગના પ્રો.ડો. કમલેશ ઉપાધ્યાય અને પબ્લિક હેલ્થ વિભાગ ગાંધીનગરના એડિશનલ ડિરેક્ટર નિલમ પટેલે શંકાસ્પદ તાવના કેસમાં કેવી રીતે કાળજી રાખવી અને હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કેવી રીતે લોકજાગૃતિ લાવવામાં આવી રહી છે તેના વિશે માહિતી આરોગ્ય મંત્રીને આપી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જિજ્ઞાા ઉપાધ્યાયને આરોગ્ય મંત્રીના માર્ગદર્શન મુજબ કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, ડીડીઓ, પ્રાંત અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ૧૦૦ બેડ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે માટે વધારાના જરૂરી ૩૦ વેન્ટિલેટર/ બાઈપેપ અન્ય હોસ્પિટલની જરૂરીયાત મુજબ મંગાવવામાં આવશે. અસરગ્રસ્ત ૭ ગામના દર્દીને વિનામૂલ્યે જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. અસરગ્રસ્ત બંને તાલુકામાં અન્ય જિલ્લામાંથી એપિડેમિક મેડિકલ ઓફિસર તાલુકાની જવાબદારી આપવામાં આવી છે. હાલ અન્ય જિલ્લામાંથી ૧૦ એમબીબીએસ મોબાઈલ મેડિકલ ટીમ ફાળવવામાં આવી છે. બીજી વધારાની ૪૦ ટીમો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી રહી છે. કાડયોલોજિસ્ટને જી.કે.જનરલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવશે.
અસરગ્રસ્ત ૭ ગામની આજુબાજુના ૧૦ કિલોમીટર ત્રિજ્યામાં આવતા ગામોમાં આરબીએસકે ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તમામ ૭ ગામોમાં ૧૦૮નું લોકેશન સેટ કરીને ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સીએચસી દયાપર અને નલીયા ખાતે ૨-૨ ફિઝિશિયન ડેપ્યુટ કરવામાં આવ્યા છે. તાવના દર્દીના સેમ્પલ પૂર્ણ લેબોરેટરી સાથે ય્મ્ઇભ ખાતે પણ તપાસણી અર્થેે મોકલવામાં આવી રહ્યા છે.
શંકાસ્પદ તાવની બીમારીના લક્ષણો જેવા કે, આ કિસ્સામાં મુખ્યત્વે પાંચથી સાત દિવસ તાવ આવવો, સ્નાયુનો દુઃખાવો થવો, શ્વાસ ચડવો જેવા લક્ષણ જોવા મળ્યો છે. જેના નિરાકરણ માટે આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ઘરે ઘરે સ્ક્રીનીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કુલ ૪૫ ટીમ દ્વારા ૨૨૩૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આરોગ્ય ટીમને ૪૮ તાવના કેસ સ્ક્રીનીંગથી મળ્યા છે જે તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. વધુમાં આ બીમારી વિશે ચોક્કસ જાણકારી મેળવવા રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ૨૦ સેમ્પલ પુણે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી પાસેથી વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીએ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પુછ્યા હતા.