અમદાવાદ - ભુજ 'વંદે ભારત' ટ્રેન ટ્રાયલમાં 5 કલાકે ભુજ પહોંચી, જાણો ક્યારથી નિયમિત દોડતી થશે

અમદાવાદ - ભુજ 'વંદે ભારત' ટ્રેન ટ્રાયલમાં 5 કલાકે ભુજ પહોંચી, જાણો ક્યારથી નિયમિત દોડતી થશે

આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે. ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અમદાવાદથી ભુજનું અંતર પાંચ કલાકમાં કાપી મેટ્રો ટ્રેન ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથે બપોરે 12.59 કલાકે ભુજ આવી હતી. 

સફળ ટ્રાયલમાં પાંચ કલાકમાં પહોંચેલી વંદે ભારત આગામી તહેવારથી નિયમીતપણે દોડે અને સાડા ત્રણ કલાકમાં ભુજ-અમદાવાદની સફર પૂર્ણ કરે તેવું આયોજન હોવાનું રેલવે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ઔદ્યોગિક અને પ્રવાસનને સાંકળતા કચ્છમાંથી વંદે ભારત ટ્રેન નજીકના ભવિષ્યમાં મુંબઈથી ભુજ વાયા અમદાવાદ દોડાવાય અને તેને વંદે ભારત મેટ્રો નામ અપાય તેવી સંભાવના છે.

એકતરફ ભુજ- નલિયા બ્રોડગ્રેજ ટ્રેન હજુ કયારે શરુ થશે તેની રાહ જોવામાં આવી રહી છે, તે વચ્ચે રવિવારે ભુજ- અમદાવાદ વંદે ભારત ટ્રેન ભુજ આવી પહોંચી હતી. પશ્વિમ રેલવે હસ્તકના અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ- ભુજ વંદે ભારત ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ સંપન્ન થઈ હતી. 

રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, ત્રણ યુનિટના 12 એસી કોચ સાથેની વંદે ભારત ટ્રેન રવિવારે બપોરે ભુજ ખાતે બપોરે 12.59 કલાકે પહોંચી હતી અને પરત બપોરે જ 13.40 કલાકે અમદાવાદ રવાના થઈ હતી. 110ની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનને ભુજ પહોંચતા 5 કલાકનો સમય લાગ્યો હતો. અમદાવાદથી રવાના થયા બાદ વંદે મેટ્રો ટ્રેન વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઊભી રહી હતી. 

ભુજ રેલવે અધિકારી કે. કે. શર્માએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે. જેનું સંપૂર્ણ સંચાલન રેલ એન્જિનમાંથી થાય છે. કચ્છને હાઇસ્પીડ ટ્રેન મળવાથી ભુજથી અમદાવાદ માત્ર પાંચ કલાકમાં પહોંચી શકાશે. ટ્રાયલનો રિપોર્ટ મુંબઈ મોકલાયો છે આ રિપોર્ટ બાદ આગામી સમયમાં ટ્રેનને કયારથી દોડાવવી તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.