નેપાળે ભારતના વિસ્તારોને પોતાના ગણાવી નવી નોટો છાપવાનું શરૂ કર્યું
ભારત અને નેપાળ વચ્ચે સરહદનો વિવાદ હજુ શાંત નથી પડયો, નેપાળે હવે પોતાની ચલણી નોટોમાં ભારતનો હિસ્સો સામેલ કરવાને મંજૂરી આપી દીધી હતી, આ નોટોને હાલ છાપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે સરહદને લઇને વિવાદ વધી શકે છે.
નેપાળી મીડિયાનો દાવો છે કે નેપાળ રાષ્ટ્ર બેન્ક દ્વારા નવી નોટો છાપવાનો ઓર્ડર અપાયો છે. જેમાં ભારતના વિસ્તારો જેમ કે કાલાપાની, લીપુલેક અને લિંપિયાધુરાનો પણ સમાવેશ કરી દેવાયો છે.
આ માહિતી બેન્કના પ્રવક્તા દિલ્લીરામ પોખરેલ દ્વારા મીડિયાને આપવામાં આવી છે. આ વર્ષે મે મહિનામાં નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડે નવી નોટો છાપવાનો નિર્ણય લીધો હતો. જેમાં નવા નક્શાનો સમાવેશ કરવા પણ નેપાળ કેબિનેટ દ્વારા મંજૂરી અપાઇ હતી. આ અગાઉ કે.પી. શર્મા ઓલીની સરકારે ૨૦૨૦માં નવો રાજકીય નક્શો પણ તૈયાર કર્યો હતો જેમાં પણ ભારતના વિસ્તારોને નેપાળના દર્શાવવામાં આવ્યા હતા. ભારતના પાંચ રાજ્યો સિક્કિમ, બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદે નેપાળની ૧૮૫૦ કિમી સરહદ આવેલી છે.