હવે રેલવે ઓનલાઈન ટિકિટ કરાવવી થશે વધુ સરળ, બુકિંગ પહેલા નહીં થાય પેમેન્ટ ફેલ કે નહીં કપાય પૈસા

હવે રેલવે ઓનલાઈન ટિકિટ કરાવવી થશે વધુ સરળ, બુકિંગ પહેલા નહીં થાય પેમેન્ટ ફેલ કે નહીં કપાય પૈસા

રેલવેમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવતાં તમામ મુસાફરોની હંમેશા ફરિયાદ રહેતી હતી કે, પહેલા કન્ફર્મ ટિકિટ જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે બુક કરાવીએ ત્યારે એટલો સમય લાગી જાય છે કે, ટિકિટ વેઈટિંગમાં આવી જાય છે. અથવા તો કેટલીક વાર પૈસા કપાઈ જાય છે, પરંતુ પ્રોસેસ ધીમી હોવાના કારણે ટિકિટ બનતી નથી. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આવા મુસાફરો માટે ભેટ આપવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ટિકિટો આંખના પલકારામાં ઓનલાઈન બુક કરી શકાશે. બસ તેના માટે થોડી રાહ જોવી પડશે. આવો IRCTC ની સંપૂર્ણ યોજના વિશે જાણીએ.

IRCTCના સીએમડી સંજય જૈનના જણાવ્યા પ્રમાણે ટિકિટ બુક કરાવતી વખતે પૈસા કપાઈ જવા, પેમેન્ટ ફેઈલ થવુ અથવા કન્ફર્મ ટિકિટ વેઈટિંગ થઈ જવી..આવી અનેક સમસ્યાઓનું મુખ્ય કારણ ઓછી ક્ષમતા છે. એટલે કે, ઓનલાઈન ટિકિટ બુકિંગની પ્રક્રિયા કરનારા લોકોની સંખ્યાની સરખામણીમાં ક્ષમતા ઓછી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હાલમાં IRCTC ક્ષમતા વધારવા માટે કામ કરી રહી છે. તેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને માર્ચ 2025 સુધીમાં પૂર્ણ થશે. ત્યાર બાદ પ્રવાસીઓની ટિકિટ ખટાખટ ઓનલાઈન બુક થવા લાગશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષથી ટિકિટ બુકિંગની પ્રોસેસમાં વધુ સમય નહીં લાગે. ક્લિક કર્યા પછી રાહ જોવાનો સમય રહેશે નહીં. સીધી તેના પર પ્રોસેસ શરુ થઈ જશે અને થોડી જ ક્ષણોમાં તમને ટિકિટ મળી જશે.

દેશભરમાં 3 કરોડ IRCTC યુઝર્સ છે. હાલમાં દરરોજ 9 લાખથી વધુ ટિકિટ ઓનલાઈન બુક થઈ રહી છે. જેમાં મુસાફરો દ્વારા ઓનલાઈન બુકિંગ તેમજ એજન્ટ બુકિંગનો સમાવેશ થાય છે. દરરોજ બે કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે.