આખા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર થયું, ડિઝાસ્ટર મેનેજમેન્ટે નાગરિકોને ફોનમાં મેસેજ કરીને ચેતવણી આપી
ગુજરાત પર પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. રવિવારે રાતથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદનું નવું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
નેશનલ ડિઝાસ્ટર્સ મેનેજમેન્ટ દ્વારા લોકોને મોબાઈલમાં SMS મોકલીને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. નાગરિકોના ફોનમાં મેસેજ કરીને ચેતવણી અપાઈ છે કે, આગામી 24 કલાકમાં આપના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. રાજ્યના 33માંથી 28 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતીમાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિગતો મેળવી. તેમણે રાજ્યમાં જરૂર જણાયે બચાવ રાહત અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્રીય દળોની વધુ મદદ મોકલવા સહિતની જરૂરી સહાયતા માટે ખાતરી હતી.
સમગ્ર ગુજરાતમાં હાલ અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનું આપ સૌ પાલન કરશો. બચાવ-રાહતની કામગીરીમાં તંત્રને પૂરો સહયોગ કરો તેવી આગ્રહભરી અપીલ કરું છું. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આપણે સો સાવચેત રહીએ, સાવધાન રહીએ, પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ.