કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ક્યાં સુધી વરસાદ આવશે તે અંગે આગાહી કરી છે.હાલમાં વરસાદથી આગામી 4 દિવસ કોઈ રાહત મળવાની સંભાવના નથી.
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડથી અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ક્યાં સુધી વરસાદ આવશે તે અંગે આગાહી કરી છે.હાલમાં વરસાદથી આગામી 4 દિવસ કોઈ રાહત મળવાની સંભાવના નથી.
અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
અંબાલાલ પટેલે આગળ કહ્યું- સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. તો 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગ-આહવામાં 10 ઈંચ, કપરાડામાં 10 ઈંચ, વઘઈમાં સાડા નવ ઈંચ વરસાદ પડ્યો હતો.
શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદના પગલે 25 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. વરસાદના આંકડા પર નજર કરીએ તો નરોડા, મણીનગરમાં 6-6 ઈંચ, સાયન્સ સિટી, ગોતા, ઓઢવમાં 4-4 ઈંચ, ઉસ્માનપુરા, પાલડી, વાસણા, બોડકદેવ, જોધપુર, સરખેજ, રાણીપ, વેજલપુર સહિતના વિસ્તારમાં 3-3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક થતા વાસણા બેરેજના 5 ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.