મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમને, કોંગ્રેસના આંકડા વિશ્લેષકે વખાણીને કહી આ વાત, જાણો

મોદી સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમને, કોંગ્રેસના આંકડા વિશ્લેષકે વખાણીને કહી આ વાત, જાણો

નરેન્દ્ર મોદી સરકારે ગઈકાલ શનિવારે સરકારી કર્મચારીઓ માટે મંજૂર કરેલ યુનિફાઇડ પેન્શન સ્કીમને કોંગ્રેસના નેતાઓ વખોડી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસના ડેટા એનાલિસ્ટે, યુનિફાઇડ પેન્શન સ્કીમને આવકારીને મોદી સરકારનું આ પગલું સમજદારીભર્યું અને આવકારદાયક ગણાવ્યું છે.

કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયને અનેક સંગઠનો અને કેન્દ્રીય કર્મચારીઓએ આવકાર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ યુનિફાઇડ પેન્શન સ્કીમને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, તે પહેલા જેવું જ હોવું જોઈએ. નિવૃત્ત કર્મચારીઓને તેમના પગારના આધારે પેન્શન મળવું જોઈએ. સરકારે 50 ટકા નહીં પરંતુ 100 ટકા પેન્શન આપવું જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા અને પ્રોફેશનલ્સ કોંગ્રેસ અને ડેટા એનાલિટિક્સના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ વખાણ કરતા કહ્યું કે, સરકારનું આ પગલું આવકારદાયક અને સમજદારીભર્યું છે.

શશિ થરૂર પછી ઓલ ઈન્ડિયા બિઝનેસ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર પ્રવીણ ચક્રવર્તીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, દેશમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન મૂળભૂત રીતે બહુમતી ગરીબો પર એક ટેક્સ છે. જેની ચૂકવણી ઉચ્ચવર્ગના લઘુમતીઓએ કરવી પડતી હોય છે. તેથી, 2013 માં, OPS ને NPS માં સુધારો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ NPS એ નિવૃત્ત પરિવારો માટે લઘુત્તમ રકમની ખાતરી આપી ન હતી.