MSCI ઇન્ડેક્સમાં ભારતનું વેઈટેજ પ્રથમ વખત 20 ટકાને પાર થશે
વૈશ્વિક ઈન્ડેક્સ પ્રોવાઈડર એમએસસીઆઈ દ્વારા તાજેતરની સમીક્ષા બાદ એમએસસીઆઈ (ઈએમ-ઉભરતા બજાર) ઈન્ડેક્સમાં ભારતનું વેઈટેજ પ્રથમ વખત ૨૦ ટકાને પાર કરશે. આનાથી ઈન્ડેક્સમાં સૌથી વધુ વજન ધરાવતા ચીન અને ભારતના વજન વચ્ચે માત્ર ૪૦૦ બેસિસ પોઈન્ટનો તફાવત રહેશે. ૨૦૨૧ની શરૂઆતમાં ભારતનું વેઈટેજ ૯.૨ ટકા હતું, જે ચીનના ૩૮.૭ ટકાના એક ક્વાર્ટર કરતાં ઓછું હતું. એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેક્સ ૨૦૨૧ થી ૮૪ ટકા વધ્યો છે જ્યારે એમએસસીઆઈ ચીનમાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો થયો છે.
ભારતીય બજારનો હિસ્સો હવે મુખ્ય ઊભરતાં બજાર બેન્ચમાર્કમાં પ્રથમ વખત ૨૦ ટકાને વટાવી જશે. આ ઇન્ડેક્સમાં ૫૦૦ બિલિયન ડોલરથી વધુની અસ્કયામતો ધરાવતા ફંડને ટ્રક કરવામાં આવે છે.
એમએસસીઆઈ ઈએમ ઇન્ડેક્સમાં ભારતનું વેઇટેજ ૨૦ ટકા વટાવવું એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી વિશ્વસનીયતા અને સ્વીકૃતિને દર્શાવે છે. ૨૦૧૭માં ભારતનો હિસ્સો લગભગ ૮ ટકા હતો, જે હવે બમણા કરતાં વધી ગયો છે. આ દેશની પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય રોકાણકાર સમુદાયને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
૨૦૧૮માં ભારતનું વજન ૮.૨ ટકા હતું અને ૭૮ સ્વદેશી કંપનીઓ ઈન્ડેક્સમાં સામેલ હતી, પરંતુ હવે તેમની સંખ્યા વધીને ૧૫૦થી વધુ થઈ ગઈ છે. એમએસસીઆઈ સૂચકાંકોમાં વધુ સ્ટોકનો સમાવેશ વિદેશી રોકાણના પ્રવાહમાં વધારો કરવામાં મદદ કરશે, જે પ્રવાહિતામાં પણ સુધારો કરશે.
એમએસસીઆઈ ઈન્ડેક્સોમાં ૧૨, ઓગસ્ટના મોટા ફેરફારો જાહેર કરાયા છે. એસએમસીઆઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં નવા ૨૭ શેરોનો સમાવેશ કરાયો છે, જ્યારે ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં રેલ વિકાસ નિગમ અને વોડાફોન આઈડીયાનો સમાવેશ કરાયો છે. એમએસસીઆઈ ઈન્ડેક્સોમાં કરાયેલા આ ફેરફારોથી નેટ ધોરણે એફઆઈઆઈઝનો ૨.૭ અબજ ડોલરથી ૩ અબજ ડોલર જેટલો પેસિવ ફંડ પ્રવાહ ઠલવાય એવો અંદાજ છે.
એમએસસીઆઈ ઈન્ડેક્સમાં ઓગસ્ટ ૨૦૨૪ના ફેરફારોમાં સ્મોલ કેપ ઈન્ડેક્સમાં નવા ૨૭ શેરોનો સમાવેશ કરાયો છે, જેમાં બંધન બેંક, ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ, પ્રોટીઅન ઈગવ ટેકનોલોજીસ, પારસ ડિફેન્શ એન્ડ સ્પેસ અને આદિત્ય વિઝનનો સમાવેશ છે.
આ ફેરફારો સાથે બંધ બેંક ૨૬૦ લાખ ડોલરનો પેસિવ ફંડ પ્રવાહ અને ગો ડિજિટથી ૧૧૦ લાખ ડોલરનો પેસિવ ફંડ પ્રવાહ ઠલવાય એવી શકયતા બ્રોકિંગ હાઉસ નુવામા અલ્ટરનેટીવ એન્ડ ક્વોન્ટિટેટીવ રિસર્ચ બતાવાઈ છે.