ઇન્સ્ટાગ્રામના કેરુસેલમાં હવે 20 ઇમેજ કે વીડિયો ઉમેરી શકાશે
ઇન્સ્ટાગ્રામના કેરુસેલમાં હવે 20 ઇમેજ કે વીડિયો ઉમેરી શકાશે

ઇન્સ્ટાગ્રામના કેરુસેલમાં હવે 20 ઇમેજ કે વીડિયો ઉમેરી શકાશે

ઇન્સ્ટાગ્રામનો તમે નિયમિત ઉપયોગ કરતા હશો તો તેમાં ‘કેરુસેલ’ (એકથી વધુ ઇમેજ કે વીડિયોને ડાબે-જમણે સ્ક્રોલ કરી શકાય તેવી સગવડ) ફીચરથી તમે પરિચિત હશો. આ ફીચરને કારણે ઇન્સ્ટાગ્રામ પર એક જ પોસ્ટમાં આપણે એકથી વધુ ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકીએ છીએ. આ ફીચર ખાસ કરીને રેસિપી સંબંધિત વીડિયો પોસ્ટ કરતા ક્રિએટર્સમાં બહુ પોપ્યુલર છે. કોઈ ચોક્કસ વાનગી બનાવવાની વિધિ લાંબી હોય ત્યારે તેને એકથી વધુ નાના નાના વીડિયોમાં વહેંચી નાંખીને એક જ પોસ્ટમાં શેર કરી શકાય છે.

૨૦૧૭માં પહેલી વાર લોન્ચ થયેલું આ ફીચર ‘ફોટો ડમ્પ’ તરીકે પણ ઓળખાય છે. હજી હમણાં સુધી આ ફીચરની મદદથી એક પોસ્ટમાં વધુમાં વધુ ૧૦ ફોટો કે વીડિયો ઉમેરી શકાતા હતા. હવે ઇન્સ્ટાગ્રામે આ સંખ્યા વધારીને ૨૦ ફોટો કે વીડિયોની કરી દીધી છે.

આમ પણ ઇન્સ્ટાગ્રામ પર કેરુસેલની પોપ્યુલારિટી સતત વધી રહી છે. એ કારણે કંપની તેમાં નવાં નવાં ફીચર પણ ઉમેરી રહી છે. પહેલાં કંપનીએ ક્રિએટર્સને તેમની આવી સ્લાઇડ્સમાં પણ ગીતો ઉમેરવાની સગવડ આપી. એ પછી એકથી વધુ યૂઝર સાથે મળીને આવું કેરુસેલ બનાવી શકે તેવી સગવડ પણ મળી. હવે કેરુસેલમાં ઉમેરી શકાતા કન્ટેન્ટની સંખ્યા ૨૦ સુધી પહોંચવાને કારણે તેનું કોલાબોરેટિવ ક્રિએશન વધુ સગવડભર્યું બનશે.

 

ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટમાં વધુમાં વધુ ૨૦ કન્ટેન્ટ ઉમેરવાની સગવડ સમગ્ર વિશ્વના યૂઝર્સ સુધી પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે વિશ્વસ્તરે ઇન્સ્ટાગ્રામની મજબૂત હરીફ ટિકટોકમાં અત્યારે આ રીતે એક પોસ્ટમાં ૩૫ ફોટો ઉમેરી શકાય છે!