એશ્વર્ય : રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સમાં નવનિર્મિત રાજભવન ચિકિત્સાલયનો શુભારંભ
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ વિસ્તારમાં નવનિર્મિત રાજભવન ચિકિત્સાલયનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ચિકિત્સાલયમાં એલોપેથી અને આયુર્વેદની સેવાઓ મળશે પણ હું ઈચ્છીશ કે કોઈને પણ આ ચિકિત્સાલયમાં આવવાની જરૂર ન પડે.
રાજભવન ચિકિત્સાલયનું દીપ પ્રગટાવીને, તકતીનું અનાવરણ કરીને ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જીવનમાં સૌથી વધુ મહત્વનું સ્વાસ્થ્ય છે. શરીર જ સૌથી મહત્વનું સાધન છે. જો શરીર સ્વસ્થ નહીં હોય તો કર્તવ્યપાલન યોગ્ય રીતે થઈ શકશે નહીં.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-આ ચાર પુરુષાર્થ ત્યારે જ થઈ શકશે જ્યારે શરીર સ્વસ્થ્ય હોય. તેમણે રાજભવન પરિવારના સૌ સભ્યોને ખાનપાન અને દિનચર્યા વ્યવસ્થિત રાખીને બીમારીઓને દૂર રાખવાની સલાહ આપી હતી.
રાજભવન ચિકિત્સાલયમાં એલોપથીમાં સિનિયર ડૉક્ટર શશાંક સિમ્પી અને આયુર્વેદમાં વૈદ્ય શ્રી ફાલ્ગુન પટેલની સેવાઓ ઉપલબ્ધ છે. અહીં થ્રી પાર્ટ સેલ કાઉન્ટર સાથે લેબોરેટરીની સુવિધા પણ છે.
રાજભવન ચિકિત્સાલયના શુભારંભ અવસરે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી પારસ સંઘવી અને અધિકારીઓ તથા રાજભવન પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.