ગર્વ છે:ભારતીયોને આકર્ષવા અમેરિકાની ટોપ બ્રાન્ડ પણ જાહેરાતો બનાવે છે

ગર્વ છે:ભારતીયોને આકર્ષવા અમેરિકાની ટોપ બ્રાન્ડ પણ જાહેરાતો બનાવે છે

અમેરિકામાં વસવાટ કરતા 46 લાખ ભારતીયોને આકર્ષવા માટે ત્યાંની કોર્પોરેટ કંપનીઓ હવે અલગથી જાહેરાતો બનાવવાની કવાયત કરી રહી છે. આ કંપનીઓ જાહેરાતમાં હવે ભારતીય સંસ્કૃતિની ઝલક તેમજ ભારતીય હસ્તિઓને સામેલ કરવા પર ભાર મૂકી રહી છે. કંપનીઓમાં ભારતીય મૂળના લોકોને આકર્ષવા માટે એ હદે હોડ જામી છે કે એશિયન અમેરિકન એડવર્ટાઇઝિંગ ફેડરેશને સરવે કરવાની ફરજ પડી હતી.

આ સરવેમાં ભારતીયોનો પસંદ-નાપસંદ, આદતો તેમજ ધ્યાન આકર્ષિત કરતી વસ્તુઓ વિશે પૂછવામાં આવ્યું. સરવે અનુસાર 45% ભારતીય મૂળના લોકો જાહેરાતો પ્રત્યે લગાવ અનુભવે છે, જેમાં ભારતીય હસ્તી હોય. 43% ભારતવંશીઓએ કહ્યું કે, તેઓ સંસ્કૃતિથી જોડાયેલી જાહેરાતો પસંદ કરી રહ્યાં છે. પરિણામે હવે કંપનીઓ ભારતીય તહેવાર અને રિવાજો સમજી રહી છે. દિવાળી, હોળી, પોંગલ, દુર્ગા પૂજા, લોહડી જેવા પર્વ પર કંપની વિશેષ જાહેરાત તૈયાર કરાવી રહી છે.

ભાસ્કર સાથેની વાતચીતમાં જાહેરાત કંપનીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ અમેરિકાની અનેક હિન્દી ચેનલોને જાહેરાત આપે છે, જેથી કરીને વધુને વધુ દર્શકો સુધી પહોંચી શકાય. અમેરિકામાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ શિક્ષિત છે. તેઓની પાસે અમેરિકન નાગરિકોની તુલનામાં સરેરાશ ત્રણ ગણી વધુ ડિગ્રી છે. તેને જ ધ્યાનમાં રાખીને 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના મતદારો માટે ટ્રમ્પ અને બાઇડેને વિશેષ જાહેરાતો બનાવડાવી હતી. તેને એ વાતની સાબિતી પણ માનવામાં આવી કે અમેરિકામાં દરેક પ્રવાસી જૂથોમાં સૌથી વધુ ધનિક અને શિક્ષિત ભારતીય-અમેરિકી જ છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના કાર્તિક રામકૃષ્ણને કહ્યું કે, ભારતીય-અમેરિકનો અન્ય અપ્રવાસી જૂથોની તુલનામાં દાની, મતદારો તેમજ ઉમેદવારોના રૂપમાં વધુ આગળ આવી રહ્યા છે. ડિજીટલ એડવર્ટાઇઝિંગ ફર્મ ડેટાવર્ક્ઝના સંસ્થાપક અને સીઇઓ સેંથિલ ગોવિંદને કહ્યું કે, ભારતીય-અમેરિકનો આર્થિક, સામાજીક અને રાજકીય મોરચા પર આગળ વધી રહ્યાં છે. એટલે જે જાહેરાતોના ટાર્ગેટ ઓડિયન્સમાં તેઓ અવ્વલ છે. અહીંના ભારતીય મૂળના લોકો જે સાઇટ્સ પર ભારતથી જોડાયેલા સમાચારો વાંચે છે ત્યાં જ જાહેરાત કંપનીઓ વધુ જાહેરાત આપવાનું પસંદ કરે છે.

 

ભારતીયોની સરેરાશ આવક અન્ય એશિયનોથી વધુ
પ્યૂ સરવે અનુસાર, અમેરિકામાં ભારતીય પરિવારોની સરેરાશ ઘરેલુ આવક 95.02 લાખ રૂપિયા છે. તે એશિયાના અન્ય પ્રવાસીઓ કરતાં વધુ છે. ધ ઇકોનોમિસ્ટ અનુસાર અમેરિકામાં કોઇ નેટિવ અમેરિકનના રાષ્ટ્રપતિ બનતા પહેલા ભારતીય મૂળની વ્યક્તિ રાષ્ટ્રપતિ બનશે. અહીં કુલ વસતીમાં ભારતીય 1.4% છે. જેથી આ વાતની સંભાવના પ્રબળ છે.

( Source - Divyabhaskar )