AMCમાં ટેક્સ કૌભાંડ:લો બોલો! કોર્પોરેશનના ખાતામાં ટેક્સના રૂ. 2.26 કરોડ જમા થયા વિના 281 લોકોનો ટેક્સ બારોબાર ભરાઈ ગયો

AMCમાં ટેક્સ કૌભાંડ:લો બોલો! કોર્પોરેશનના ખાતામાં ટેક્સના રૂ. 2.26 કરોડ જમા થયા વિના 281 લોકોનો ટેક્સ બારોબાર ભરાઈ ગયો

રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે ત્રણ ખાતાના અધિકારીઓને પત્ર લખી કૌભાંડ અંગે સવાલ કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં લોકોના પાસેથી પૈસા લઈ અને ટેક્સની રકમ કોર્પોરેશનના ખાતામાં જમા કરાવ્યા વગર જ ભરાઈ ગઈ હોવાનું બતાવી દેવાનું કૌભાંડ થયું છે. માત્ર માર્ચ 2022માં જ કુલ 281 લોકોના રૂ. 2.26 કરોડ કોર્પોરેશનના ખાતામાં જમા થયા જ ન હોવાની વિગતો સામે આવી છે. આમ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

281 લોકોએ ટેક્સ આપ્યો પણ AMCને પૈસા ન મળ્યા
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે આ મામલે ઇ-ગવર્નન્સ, ટેક્સ અને વિજિલન્સ ખાતાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી છે કે માર્ચ મહિનામાં જ જો 281 લોકોના ટેક્સના પૈસા જમા જ થયા નથી તો આગળના વર્ષમાં આવા કેટલા પૈસા જમા નહીં થયા હોય, તેને શોધવા કોઈ પદ્ધતિ અપનાવી છે કે કેમ અને આ મામલે કોઈ અધિકારી કે કર્મચારી સામે કાર્યવાહી કરી છે કે નહીં તેની માહિતી માગી છે.

 

આ ઉપરાંત આ રીતે લોકોના ટેક્સની રકમ કોર્પોરેશનમાં જમા કર્યા વગર જ બારોબાર ટેક્સ ભરાઈ ગયા હોવાના કૌભાંડમાં વિજિલન્સ વિભાગ દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવી છે કે કેમ તેની પણ માહિતી માગી છે.

જૈનિક વકીલે કોર્પોરેશનન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કરેલા પત્રના સવાલો

  • આ 281(કુલ આશરે 2.26 કરોડ) ના વ્યવહારો જો ખાલી માર્ચ 2022 જ હોય તો આગળના વર્ષોમાં આવા વ્યવહારો શોધવા આપણે કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવી છે?
  • ફ્રોડની ઘટનામાં જે કોઈ પણ પ્રથમદર્શી ગુનેગાર હોય તો તેના પર લીધેલા કાર્યવાહીની વિગતો આપશો?
  • કર્મચારી ને OTP ઈનેબલ કરવાની પ્રક્રિયાની સ્થિતિ હાથ ધરેલ છે તો તે અંગેની હાલની સ્થિતિ જણાવશો?
  • આપના જણાવ્યા મુજબ Proનું નવેસરથી મોડ્યુલ સાથે મેચિંગની પ્રક્રિયાની સ્થિતિ હાથ ધરેલ છે તો તે અંગેની હાલની સ્થિતિ જણાવશો?
  • આપે આવી ઘટના ફરી ન બને તે માટે સિસ્ટમમાં સુધારો કર્યો છે. પરંતુ આ સુધારો SWOT એનાલિસિસના આધારે તજજ્ઞોનો અભિપ્રાય લઈને કરેલ છે? અને સુધારો અમલી કર્યા પછી સિસ્ટમ - ફૂલ પ્રૂફ થયાનું ક્વોલિફાઈડ એજન્સી પાસેથી સર્ટિ. મેળવ્યું છે?
  • આ ઉપરાંત ટેકસ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ ખાતાની મદદ લઈ ગુનેગાર પર પોલીસ ફરિયાદની પ્રક્રિયાની હાલની સ્થિતિ જણાવશો?
  • વિજિલન્સ વિભાગ દ્વારા વિજિલન્સ તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ છે તો તે અંગેની હાલની સ્થિતિ જણાવશો ?

જૈનિક વકીલે કોર્પોરેશનને કરેલા સૂચનો

  • આ માહિતી સંબંધિત ફોરેન્સિક ઓડિટ હાથ ધરવામાં આવે.
  • ટેક્સ પેટે ખાતામાં જમા થયેલી રકમને મળેલ ટેક્સ જોડે સુસંગત કરવી જરૂરી બને.
  • સ્ટાફને યોગ્ય સંસ્થા દ્વારા જરૂરી સર્ટિફાઇડ ટ્રેનિંગ આપવામાં આવે.