કહાની પુતિનની પુત્રીઓની, જેને અમેરિકાએ બેન કરી:મોટી પુત્રી રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે, નાની પુતિનના કેમ્પેનની ઇન્ચાર્જ હતી

કહાની પુતિનની પુત્રીઓની, જેને અમેરિકાએ બેન કરી:મોટી પુત્રી રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે, નાની પુતિનના કેમ્પેનની ઇન્ચાર્જ હતી

રશિયા-યુક્રેન યુદ્ધના 43મા દિવસે અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની બંને પુત્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાનું કહેવું છે કે આ નિર્ણયથી પુતિનની ખાનગી સંપત્તિ પર અસર પડશે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે પુતિને પોતાની સંપત્તિઓને પરિવારના સભ્યોના નામે છુપાવીને રાખી છે. તેમની છોકરીઓ પર પ્રતિબંધ દ્વારા તેમને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

 

પુતિનની બે પુત્રી છે, જે રશિયાના રાષ્ટ્રપતિ ભવન સાથે જોડાઈને કામ કરી રહી છે. તેમનાં નામ મારિયા અને કતેરિના છે. બંને પબ્લિક લાઈફમાં ભાગ્યે જ જોવા મળે છે. અંતે, પુતિનની બંને પુત્રીને બેન કરીને અમેરિકા શું પ્રાપ્ત કરવા માગે છે એ જાણતાં પહેલાં તમે પોતાનો મત અહીં આપી શકો છો...

પુતિનની મોટી પુત્રી ક્રેમલિનમાં પાવરફુલ છે
વ્લાદિમીર પુતિનની મોટી પુત્રી ડો.મારિયા વોરન્તસોવા વર્તમાનમાં ક્રેમલિન એટલે કે રશિયાના રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે. ઓફિશિયલ રીતે તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રોનોલોજી ડિપાર્ટમેન્ટમાં મુખ્ય રિસર્ચર છે. 36 વર્ષની મારિયાના ગત મહિને જ છૂટાછેડા થયા છે. તે અગાઉ રશિયાની કોરોના વેક્સિન લગાવવાને લઈને પણ સમાચારમાં રહી હતી.

મારિયાએ મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. તે રશિયાના જિનેટિક રિસર્ચ પ્રોગ્રામનું નેતૃત્વ પણ કરે છે, જેની પર રશિયાની સરકાર અબજો ડોલરનો ખર્ચ કરે છે. મારિયા આ કામનો રિપોર્ટ સીધો રાષ્ટ્રપતિ પુતિનને આપે છે.

નાની પુત્રીના નામે અબજોની સંપત્તિ
પુતિનની નાની પુત્રી કતેરીના તિખોનોવા પણ ક્રેમલિનમાં કામ કરે છે. તે રક્ષા વિભાગમાં ટેન્ક સપોર્ટ સાથે જોડાયેલાં કામ સંભાળે છે. 29 વર્ષની કતેરીનાએ 2015માં રશિયાના ક્રિલ શામલોવી સાથે લગ્ન કર્યા હતા. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ, કોતરીનાની પાસે ભારતીય કરન્સી મુજબ 15000 કરોડથી વધુની સંપત્તિ છે. તેના પતિ શામલોવી રશિયન બેન્કમાં શેરહોલ્ડર પણ છે.

કતેરિના શરૂઆતમાં પુતિનનાં ચૂંટણીનાં ભાષણો પણ લખતી હતી. 2018ની ચૂંટણીમાં કતેરિનાએ પુતિનના ઈલેક્શન કેમ્પેનની જવાબદારી પણ સંભાળી હતી. પુતિને તેની નાની પુત્રી વિશે એક પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે તેણે સાઉથ એશિયા પર રિસર્ચ કર્યું છે.

આ બંને પુત્રી પુતિનની પહેલી પત્નીની છે
વ્લાદિમિર પુતિને 1983માં લ્યૂડમિલા સાથે લગ્ન કર્યા હતા. મારિયા અને કતેરીના બંને પુતિન અને લ્યૂડમિલાનાં બાળક છે. પુતિન અને લ્યૂડમિલાના 2013માં છૂટાછેડા થયા હતા. જોકે એ પછીથી પુતિને હજી સુધી કોઈ લગ્ન કર્યા નથી.