પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા:અપહરણ અને ધર્મ પરિવર્તનનો વિરોધ કરતા યુવતીને માથામાં ગોળી મારી; આરોપી બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો
હિન્દુ યુવતીની હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સોમવારે એક હિન્દુ યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અહીંના સુક્કુર જિલ્લામાં યુવતીએ અપહરણનો વિરોધ કર્યો હતો. ત્યારપછી અપહરણકારોએ તેને માથામાં ગોળી મારી દીધી હતી. આ યુવતીનું નામ પૂજા કુમારી ઓડ છે, જેની ઉંમર 18 વર્ષ છે. બળજબરીથી ધર્મ પરિવર્તન અને અપહરણના નિષ્ફળ પ્રયાસ બાદ હત્યા કરવામાં આવી હતી.
સુક્કુર જિલ્લાના એસપીએ જણાવ્યું કે પૂજાની હત્યાના મુખ્ય આરોપી વાહિદ બખ્શ લશારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લશારી પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. એસપીએ જણાવ્યું હતુ કે આરોપી વાહિદ બખ્શ પૂજા સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ કરવા માંગતો હતો.
આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી પુત્રીને હેરાન કરતો હતો
પૂજાના પિતાએ જણાવ્યું હતુ કે સિંધમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ તે કેસોમાં એવું કહેવાય છે કે હિંદુ યુવતીઓને પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. મારી પુત્રીએ લગ્ન અને ધર્મ પરિવર્તનનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.
પૂજાના પિતાએ કહ્યું- આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી મારી દીકરીને પરેશાન કરી રહ્યો હતો. અનેકવાર બળજબરીથી ઘરમાં ઘૂસ્યો હતો. મેં સુક્કુર પોલીસ પાસે પણ સુરક્ષા માંગી હતી પરંતુ પોલીસ તરફથી સુરક્ષા આપવામાં આવી ન હતી. ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહને નેશનલ હાઈવે પર મૂકીને વિરોધ પણ કર્યો હતો. જેના કારણે લગભગ 2 કલાક સુધી હાઈવે જામ થઈ ગયો હતો.
સિંધમાં દર વર્ષે લગભગ 1,000 હિંદુ યુવતીઓનું અપહરણ કરવામાં આવે છે
પાકિસ્તાનમાં અવારનવાર બળજબરીથી ધર્મ પરિવર્તનના કિસ્સા નોંધાયા છે. હાલના સમયમાં તે વધ્યા છે. અમેરિકામાં સિંધી ફાઉન્ડેશન અનુસાર, સિંધ પ્રાંતમાં દર વર્ષે લગભગ 1,000 હિંદુ છોકરીઓ (12 થી 28 વર્ષની વચ્ચેની)નું અપહરણ કરવામાં આવે છે. તેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આ પછી મુસ્લિમો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે.
હિન્દુઓ, શીખો, ખ્રિસ્તીઓ અને અહમદીઓ પર અત્યાચાર
પાકિસ્તાને અનેક વખત લઘુમતી સમુદાયોના રક્ષણની ખાતરી આપી છે, પરંતુ લઘુમતીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમની સાથે હિંસા, હત્યા, અપહરણ, બળાત્કાર, બળજબરીથી ધર્મ પરિવર્તન જેવી ઘટનાઓ સામે આવે છે. હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, અહમદિયાઓ અને શિયાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.