અરેરે....! ભૂલથી ભારતમાંથી છૂટેલ મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી
11મી માર્ચ, 2022
નવી દિલ્હી : આજના આ યુગમાં જો આપણે પાડોશીના ઘરમાં ભૂલથી કચરો ફેંકીએ તો બબાલ થઈ જાય અને જો ભૂલથી બાળકોએ પાડોશીના ઘરમાં પથ્થરો ફેંકી દીધો હોય તો તો બબાલ થઈ જાય પરંતુ 9મી માર્ચે ભારતમાંથી છોડવામાં આવેલ એક મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી.
સમગ્ર મામલો એમ છે કે ભારતમાંથી એક મિસાઈલ ભૂલથી ફાયર થઈ અને તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જઈને પડી. 'ફ્લાઈંગ ઈન્ડિયન સુપરસોનિક ઓબ્જેક્ટ' દ્વારા એરસ્પેસનું કથિત ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પદાર્થ 9 માર્ચે સાંજે 6.43 કલાકે ભારતના સુરતગઢથી પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો. આ એક સુપર સોનિક મિસાઈલ હતી. મિસાઈલ એ જ દિવસે સાંજે 6.50 વાગ્યે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચુન્નુ શહેરમાં જમીન પર અથડાઈ હતી, જેના કારણે જાહેર સંપત્તિને નુકસાન થયું છે.
ડિફેન્સ મિનિસ્ટરીના તપાસના આદેશ :
ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે 9 માર્ચ, 2022ના રોજ નિયમિત સમારકામ દરમિયાન આ મિસાઇલ તકનીકી ખામીને કારણે આકસ્મિક રીતે ફાટી ગઈ હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે હાલ મળતી માહિતી અને ફરિયાદ અનુસાર માનવામાં આવે છે કે મિસાઈલ પાકિસ્તાનની સીમામાં પડી હતી. આ એક ભૂલ છે અને તેના બદલ દિલગીર છીએ, પરંતુ રાહતની વાત છે કે આમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પાકિસ્તાને આ મામલે ભારતીય દૂતાવાસના પ્રભારીને સમન્સ પાઠવ્યું હતું અને 'ફ્લાઈંગ ઈન્ડિયન સુપરસોનિક ઑબ્જેક્ટ' દ્વારા એરસ્પેસના ઉશ્કેરણી વિનાના ઉલ્લંઘન બદલ સખત વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે આ ઘટનાની ઝીણવટભરી અને પારદર્શક તપાસની માંગ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ પાકિસ્તાને આક્ષેપ કર્યો છે કે ભારતની આ ભૂલ કે જાતે કરીને કરવામાં આવેલ કૃત્યને પગલે જાહેર સંપત્તિને નુકશાન થયું છે.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ભારતીય રાજદૂતને બોલાવીને આ અંગે ફરિયાદ કરી છે. સાથે સાથે પાકિસ્તાને ભારતની આ ભૂલનું ગાણું P5 દેશો એટલેકે ચીન, ફ્રાંસ, રશિયા, બ્રિટન અને અમેરિકાના રાજદૂતોને બોલાવીને તેમની સામે પણ ગાયું છે.