અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું...:અમે તો 5 જ વર્ષ છીએ, તમે 25-30 વર્ષ રહેશો : શાહ

અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું...:અમે તો 5 જ વર્ષ છીએ, તમે 25-30 વર્ષ રહેશો : શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - તંત્રએ નિયમ અનુસાર ચાલવું જોઈએ

વધુને વધુ લોકોને લાભ મળે તે માટે સુશાસનની વિવિધ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત છેઃ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે સનદી અધિકારીઓને સૂચન કર્યું હતું કે અમારો (રાજકીય) કાર્યકાળ ફક્ત પાંચ વર્ષનો છે જ્યારે તમારો કાર્યકાળ 25-30 વર્ષનો છે. તેથી તમારી પાસે મોટી જવાબદારી છે. તમારે તમારી ભૂમિકાનું મહત્વ સમજવું જોઈએ. શાહે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતીના અવસર પર આયોજિત સુશાસન દિવસ સપ્તાહ કાર્યક્રમના સમાપન સત્રમાં આ વાત કહી હતી.

શાહે જણાવ્યું હતું કે વધુને વધુ લોકોને લાભ મળે તે માટે સુશાસનની વિવિધ પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત છે. સનદી અધિકારીઓને પણ મારો આગ્રહ છે કે નિયમો કાગળની જેમ વાંચી નિયમોની ભાવના સમજો અને લોકોને સમજાવો. તેમણે કહ્યું કે કાયદાને કાગળની જેમ વાંચવો જોઈએ અને તેની પાછળની ભાવનાઓ અને હેતુઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે ચૂંટાયેલી સરકારો કાયદા બનાવે છે પરંતુ આ કાયદાનો અમલ કરવાની જવાબદારી તમારી છે. તેમણે કહ્યું કે કાયદાને વાસ્તવિકતા બનાવવી એ તમારું કામ છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે તંત્ર નિયમો અનુસાર ચાલવું જોઈએ કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ ચોક્કસ વિભાગની ભૂમિકા અંગે વિચારવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો આપણે આ મૂળ અવધારણાને સમજી લઈએ તો આપણે સમસ્યાઓને ઉકેલવાનો નવો માર્ગ શોધી લઈશું.

બંધારણમાં તમારા પર વિશેષ વિશ્વાસ વ્યક્ત કરાયો છે : શાહ
શાહે અધિકારીઓને કહ્યું કે આપણા બંધારણમાં તમારા પર એક ખાસ પ્રકારનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. બધા રાજકારણીઓ પાંચ વર્ષ માટે જ આવે છે અને પાંચ વર્ષ પછી દેશની જનતા નક્કી કરે છે કે બીજી તક આપવી કે નહીં, પરંતુ તમે લોકો 25-30 વર્ષ માટે આવો છો કારણ કે બંધારણને તમારામાં વિશ્વાસ છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે તમારા લોકો પર અમારા કરતા વધુ જવાબદારી છે.