બ્લૂમબર્ગમાંથી:20 મહિના પછી અમેરિકા ખૂલ્યું; યુરોપમાં લૉકડાઉનની તૈયારી, ચોથી લહેર સામે લડવાની તૈયારી, પ્રતિબંધ અને વેક્સિનેશન પર ભાર મૂકશે

બ્લૂમબર્ગમાંથી:20 મહિના પછી અમેરિકા ખૂલ્યું; યુરોપમાં લૉકડાઉનની તૈયારી, ચોથી લહેર સામે લડવાની તૈયારી, પ્રતિબંધ અને વેક્સિનેશન પર ભાર મૂકશે

અમેરિકાએ 20 મહિનાના પ્રતિબંધ બાદ 30થી વધુ દેશો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. આ રાહતની સાથે ભારત, ચીન અને યુરોપથી વેક્સિનેટેડ લોકો અમેરિકા જઈ શકે છે. અમેરિકાની સરહદો ખૂલતાં જ મેક્સિકો અને કેનેડા બોર્ડર પર કારોની અનેક કિ.મી. લાંબી લાઈનો લાગી ગઇ હતી. અમેરિકી એરપોર્ટ પણ યાત્રીઓથી ખીચોખીચ ભરાઇ ગયા હતા. અમેરિકા એવા સમયે ખુલી રહ્યું છે જ્યારે પોતાની સરહદો ખોલી ચૂકેલા યુરોપિયન દેશ કોરોનાની નવી લહેર સામે લડવા માટે નવી રણનીતિ બનાવી રહ્યા છે.

ગાર્જિયનના રિપોર્ટ મુજબ બ્રિટન લૉકડાઉનના ઉપાયોને ફરીથી લાગુ કરવા વિચારી રહ્યું છે. જર્મનીમાં સંક્રમણ દર મહામારી શરૂ થયા બાદ પોતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વેક્સિન નિર્માતા કંપની ફાઈઝરે જાહેરાત કરી હતી કે તેની એન્ટી વાઈરલ ટેબલેટે કોવિડથી થતા મૃત્યુ અને હોસ્પિટલાઈઝેશનનો દર ઘટાડ્યો છે.

યુરોપ કોવિડનું કેન્દ્ર બન્યું, ફેબ્રુઆરી સુધી 5 લાખ મૃત્યુની આશંકા
ડબ્લ્યૂએચઓએ ચેતવણી ઉચ્ચારી છે કે યુરોપ એક સંભવિત વિનાશકારી ઠંડીનો સામનો કરી રહ્યું છે જેમાં કોરોના સંક્રમણથી ફેબ્રુઆરી સુધી 5 લાખથી વધુ મૃત્યુ થઈ શકે છે. આ વિનાશકારી અંદાજ પાછળ ડબ્લ્યૂએચઓનો તર્ક છે કે યુરોપના મોટાભાગના હિસ્સામાં કોરોનાના કેસ ખતરનાક રીતે વધી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં વેક્સિનેશનની ઝડપ લગભગ થંભી ગઈ છે. સંસ્થાના રિજનલ ડિરેક્ટર હંસ ક્લગે કહ્યું કે આ પેટર્ન ચિંતાનો વિષય છે અને યુરોપ ફરી એકવાર સંક્રમણનું એપિક સેન્ટર બની ગયું છે.

બ્રિટન: દરરોજ 30 હજાર કેસ, વિન્ટર લૉકડાઉન લાગુ કરવા અંગે વિચારણા
ક્ષેત્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી બ્રિટન ફરી એકવાર લૉકડાઉનના ઉપાયોને લાગુ કરવા વિચારી રહ્યું છે. જોકે અહીં એક અઠવાડિયામાં દરરોજ આવતા કેસ 20 ટકા ઘટી ગયા છે. ગત 24 કલાકમાં 30,305 કેસ આવ્યા અને 62 મૃત્યુ થયા. મૃત્યુ મામલે પણ 16 ટકાનો ઘટાડો થયો છે. ડેનમાર્કમાં જ્યાં વેક્સિનેશન રેટ દુનિયામાં સર્વાધિક છે ત્યાં અચાનક કેસ વધ્યા બાદ વડાપ્રધાન મેટે ફ્રેન્ડરિકસેને જલ્દી જ અમુક પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ફ્રાન્સ: સ્કૂલોમાં માસ્ક, હોસ્પિટલો પર 17 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે
ફ્રાન્સ હોસ્પિટલ સિસ્ટમને મજબૂત કરવા વધારાના 2.3 બિલિયન ડૉલર(17 હજાર કરોડ રૂ.) ખર્ચ કરવા વિચારી રહ્યું છે. અહીં 75 ટકા વસતીનું વેક્સિનેશન થઇ ગયું છે. 5 દિવસોથી દરરોજ એક લાખની વસતીએ 50થી વધુ કેસ મળી રહ્યા છે. ગત 24 કલાકમાં 8547 કેસ સામે આવ્યા. એટલા માટે સરકારે સેકન્ડરી સ્કૂલોમાં માસ્ક ફરજિયાત કરી દીધું છે. જોકે ઈટાલી ડિસેમ્બરથી બાળકોને વેક્સિન આપવાની યોજના બનાવી રહ્યું છે.

જર્મની: પહેલીવાર 1 લાખ લોકો દીઠ 200થી વધુ સંક્રમિત મળી રહ્યાં છે
જર્મનીમાં સંક્રમણ દર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. સંક્રમણ શરૂ થયા બાદ પહેલીવાર અહીં એક લાખ લોકો પર 200 સંક્રમિત મળી રહ્યા છે. ગત રેકોર્ડ ગત વર્ષે 22 ડિસેમ્બરનો છે જ્યારે 1 લાખ લોકોએ 197.6 સંક્રમિત મળી રહ્યા હતા. અહીં ગત અઠવાડિયે એક દિવસમાં 34 હજાર કેસ મળ્યા હતા. અહીં રાજકીય પક્ષોએ કોરોનાની ચોથી લહેર સામે લડવા માટે યોગ્ય અને નિર્ણાયક ઉપાય માટે સંસદના નીચલા ગૃહમાં કાનૂની મુસદ્દો રજૂ કરશે.

ચીન: સંક્રમિતના 1 કિ.મી.ના દાયરામાં આવનારા લોકો ક્વૉરન્ટાઈન થશે
ચીનમાં સોમવારે 91 કેસ સામે આવ્યા હતા. ચીનના 31માંથી 20 પ્રાંતોમાં કોરોનાના કેસ મળી રહ્યા છે. એવામાં ચીને નજીકના સંપર્કની વ્યાખ્યા બદલી દાયરો વધારી 1 કિ.મી.નો કરી દીધો છે. તેનો અર્થ એ છે કે સંક્રમિત વ્યક્તિના એક કિ.મી.ના દાયરામાં આવનારા લોકોને ક્વૉરન્ટાઈન કરી શકાશે કે તેમનો ટેસ્ટ કરી શકાશે. ચીનના અધિકારીઓ કહે છે કે ઝીરો કોવિડના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તે દરેક સ્તરે કામ કરી રહ્યું છે.