બેરોજગારોને ફાયદો:સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, બિન અનામત માટે 36 જ્યારે અનામત માટે 41 વર્ષ

બેરોજગારોને ફાયદો:સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, બિન અનામત માટે 36 જ્યારે અનામત માટે 41 વર્ષ

ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે

કોરોનાકાળમાં શિક્ષણ, સરકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. પરિણામ નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. એટલે કે બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે. આ નિર્ણય આગામી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે. આ સાથે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.

વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વય મર્યાદા 40 વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને 41 વર્ષ કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમા સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને 39 વર્ષની કરવામાં આવી છે. મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વય મર્યાદા 45 વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા 45 વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અનામત મહિલા ઉમેદવારોની વયમર્યાદામાં એક વર્ષનો વધારો
બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું. એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરી 41 વર્ષ કરવામાં આવી છે. એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગો)ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક થી નીચેની લાયકાત વાળી જગ્યાઓમાં હાલની 43 વર્ષની વયમર્યાદા વધારીને 44 વર્ષની કરવામાં આવી છે.

આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા 45 વર્ષ યથાવત રાખવામાં આવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.રાજય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી/એસ.ટી/એસ.ઈ.બી.સી./ (આર્થિક રીતે નબળા વર્ગો) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નકકી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં 45 વર્ષથી વધે નહીં તે રીતે નકકી રવામાં આવેલી છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.