RBIની મોટી જાહેરાત:હવે ઇન્ટરનેટ વિના ડિજિટલ પેમેન્ટ થશે

RBIની મોટી જાહેરાત:હવે ઇન્ટરનેટ વિના ડિજિટલ પેમેન્ટ થશે

IMPSથી ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખથી વધારીને 5 લાખ કરાઈ

 

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ઑફલાઇન મૉડ પર ડિજિટલ પેમેન્ટ માટેની નવી સ્કીમની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ નથી હોતું અથવા નેટવર્ક અત્યંત ઓછું હોય એવાં સ્થળોએ ઑફલાઇન મૉડ પર ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આ અંગેના પાઇલટ પ્રોજેક્ટમાં ઉત્સાહજનક પરિણામો મળ્યા છે.

આ સાથે જ દેશભરમાં ઑફલાઇન મૉડ પર રિટેલ ડિજિટલ પેમેન્ટનું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવશે. દેશના વિવિધ વિસ્તારોમાં સપ્ટેમ્બર 2020થી જૂન 2021 દરમિયાન ત્રણ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ ટ્રાયલમાં 1.16 કરોડ રૂપિયાની વેલ્યૂના કુલ 2.41 લાખ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાયલ્સની સફળતા બાદ ઑફલાઇન પેમેન્ટ સ્કીમ દેશભરમાં લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોબાઇલ ફોન તથા કાર્ડ દ્વારા ઑફલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.

આ સાથે આરબીઆઇએ શુક્રવારે આઇએમપીએસ (ઇમિજીએટ પેમેન્ટ સર્વિસ)ની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આઇએમપીએસ દ્વારા 24 કલાક સુધી ફંડની ટ્રાન્સફર કરી શકાય છે. ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ એપ તથા એટીએમ સહિતના માધ્યમો દ્વારા આઇએમપીએસ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.