આર્થર રોડ જેલમાં બાદશાહનો પુત્ર : આર્યન ખાનને સવારે 6 વાગ્યે ઉઠવું પડશે, ઘરનું ખાવાનું પણ નહીં મળે; કેદીઓની પથારી પર કાઢવી પડશે રાત

આર્થર રોડ જેલમાં બાદશાહનો પુત્ર : આર્યન ખાનને સવારે 6 વાગ્યે ઉઠવું પડશે, ઘરનું ખાવાનું પણ નહીં મળે; કેદીઓની પથારી પર કાઢવી પડશે રાત

બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજીને ફગાવી દેવાઈ છે, જે બાદ તેને હવે આર્થર રોડ જેલના સળિયા પાછળ ત્યાં સુધી રહેવું પડશે જ્યાં સુધી તેને જામીન નહીં મળે.

નવા નિયમ મુજબ આર્યન અને અન્ય 5 આરોપીઓને એક સાથે બેરેક નંબર-1માં બનેલા સ્પેશિયલ કોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ બેરેક જેલના ફર્સ્ટ ફ્લોર પર છે. જો કે જેલમાં એવી જોગવાઈ છે કે જ્યાં સુધી સજા ન મળે ત્યાં સુધી આર્યન ઈચ્છે તો પોતના પર્સનલ કપડાં પહેરી શકે છે.

આર્યનને ખાવી પડશે જેલની રોટી
જેલના સૂત્રોના જણાવ્યા મુજબ આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે, તેને પણ અન્ય કેદીઓની જેમ જ સુવા માટે પથારી, ચાદર અને તકિયો આપવામાં આવશે. નિયમ મુજબ આર્યનને માત્ર જેલનું જ ખાવાનું મળશે. જો કે કોર્ટના આદેશ પછી તેને ઘરનું ખાવાનું પણ આપવામાં આવી શકે છે, પરંતુ આ મામલામાં આર્યનના વકીલે કોર્ટમાં કોઈ અપીલ કરી નથી.

આર્યન માટે સવારે 6 વાગ્યે ઉઠવાનો સમય નક્કી કરાયો છે. 7 વાગ્યે સવારે તેને બ્રેકફાસ્ટ આપવામાં આવશે. શક્ય છે કે તે શીરો કે પૌઆ હોય શકે છે. સવારે 11 વાગ્યે તેને લંચ આપવામાં આવશે. જેલના નિયમ મુજબ ડિનરમાં રોટલી, શાક અને દાળ-ભાત આપવામાં આવશે.

જેલર પાસેથી ફરવાની મંજૂરી લેવી પડશે
લંચ પછી કેદીઓને જેલમાં ફરવાની મંજૂરી હોય છે, પરંતુ આર્યનના કેસમાં કોરોન્ટાઈન પીરિયડમાંથી બહાર આવ્યા બાદ તેમજ તેની સુરક્ષાને જોતા જેલર જ તેને ફરવાની મંજૂરી આપશે. જો આર્યન કેન્ટીનમાંથી ખરીદવા માગે છે તો તેને અલગથી પૈસા આપવા પડશે. ખાસ વાત એ છે કે આ પૈસા પરિવારના લોકો તેને મની ઓર્ડરથી મોકલી શકે છે. કેદીઓને રાતનું ખાવાનું 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે આપવામાં આવે છે. આર્યનને પણ આ ટાઈમે જ ખાવાનું આપવામાં આવશે.

5 દિવસ સુધી કોરોન્ટિન રહેવું પડશે
શરૂઆતના પાંચ દિવસ સુધી આર્યને કોરોન્ટિન રહેવું પડશે. આ દરમિયાન જો આર્યન કે અન્ય કોઈનામાં કોવિડના લક્ષણ જોવા મળે છે તો તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જો કે આર્યન સહિત ક્રુઝથી પકડાયેલા અન્ય તમામ આરોપીઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આર્યને વેક્સિનના બંને ડોઝ પણ લઈ લીધા છે, તેથી તેને માત્ર 5 દિવસ સુધી જેલમાં કોરોન્ટિન રહેવું પડશે.

અનેક હાઈપ્રોફાઈલ લોકો આ જેલમાં હતા બંધ
આ જેલમાં શરાબના વેપારી વિજય માલ્યાને રાખવાની વાત ચાલી રહી છે. 2008માં મુંબઈ હુમલાનો દોષી અજમલ કસાબને રાખવા માટે અહીં ખાસ બેરેક બનાવવામાં આવી હતી. આ સેલમાં જબિઉદ્દીન અંસારીને પણ રાખવામાં આવ્યો હતો, તે પણ 2008ના મુંબઈ હુમલામાં સામેલ આતંકી હતો. આર્થર રોડ જેલમાં દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર, મુસ્તફા દોસા, યાસિન ભટકલ, પીટર મુખર્જી અને બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ રહી ચુક્યો છે.

એક બ્રિટિશ ઓફિસરના નામથી પડ્યું આ જેલનું નામ
વર્ષ 1926માં બનેલી આ જેલનું નામ બ્રિટિશ કાળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર સર જ્યોર્જ આર્થરના નામે રાખવામાં આવ્યું છે. વર્ષ 1994માં તેને અપગ્રેડ કરીને સેન્ટ્રલ જેલ બનાવવામાં આવી, પરંતુ ત્યારથી આ જેલ તેના જૂનાં નામથી જ ઓળખાય છે. કાગળોમાં પણ આ નામ જ જોવા મળે છે.

6 એકરમાં ફેલાયેલી આ જેલમાં છે 20 બેરેક
પહેલાં આ જેલ લગભગ 2 એકરમાં ફેલાયેલી હતી પરંતુ બાદમાં તેનો વિસ્તાર થયો અને હવે આ જેલ 6 એકરમાં ફેલાયેલી છે. અહીં 20 બેરેક છે અને તેમાં અનેક સેલ્સ છે. આમ તો જેલમાં કેદીઓની ક્ષમતા 804ની છે, પરંતુ હંમેશા આ ઓવર ક્રાઉડેડ જ રહે છે. અહીં ઘણી વખત લગભગ 3000 કેદીઓ પણ થઈ જાય છે.