અમદાવાદમાં ખરીદી માટે પડાપડી : નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે લૉ-ગાર્ડન ખાતે 5 લાખના ચણિયાચોળીનું વેચાણ

અમદાવાદમાં ખરીદી માટે પડાપડી : નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે લૉ-ગાર્ડન ખાતે 5 લાખના ચણિયાચોળીનું વેચાણ

નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે લૉ-ગાર્ડન, સીજી રોડ, માણેકચોક અને રતનપોળમાં ચણિયાચોળી, ઈમિટેશન જ્વેલરી અને ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી હતી.

 

કોરોનાને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી થઈ શકી ન હતી. જો કે, આ વખતે સોસાયટીઓ અને શેરી ગરબાને મંજૂરી મળી હોવાથી લૉ-ગાર્ડન તેમજ માણેકચોક ખાતે આવેલા રાણીના હજીરા જેવા બજારોમાં ચણિયાચોળી ખરીદવા ભારે ભીડ જામી હતી. લૉ-ગાર્ડન ખાતેના બજારમાં તો નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે અંદાજે 5 લાખના ચણિયાચોળીનું વેચાણ થયું હતું. સીજી રોડના એક વેપારી જૈન શાહના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નવરાત્રિનું માર્કેટ અંદાજે રૂ.1 હજાર કરોડ છે. ચણિયાચોળી ઉપરાંત ઈમિટેશન જ્વેલરી, ઓક્સાઈડના દાગીના ખરીદવા માટે પણ લોકોની ભીડ જામી હતી.

સીજી રોડ સહિતના વિસ્તારોમાં આવેલા શો-રૂમમાં ચણિયાચોળી ઉપરાંત કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું પણ સારું એવું વેચાણ થયું છે. કપડાના વેપારી જગદીશ પ્રજાપતિ જણાવે છે કે, દસ હજાર સુધીના અવનવા ચણિયા ચોળી બજારમાં છે. ભરતગૂંથણની સાથે સ્ટાઇલિસ્ટ ચણિયા ચોળી, કેડિયાની ધૂમ છે. પરંતુ હિન્દી ફિલ્મ રામલીલાની ચણિયાચોળીનું ભારે આકર્ષણ છે. ગૂંથણકામ કરેલા ચણિયાચોળીની કિંમત અંદાજે 20 હજાર સુધી છે.

ઓક્સાઇડના દાગીનાની માગ
યુવતીઓ વિશેષ કરીને સિલ્વર જર્મન અને ઓક્સાઈડના દાગીના ખરીદે છે. જેમાં શોર્ટહાર, કાનનાં લટકણિયાં, પોંચા, હાથના કડા, કાનની શેર વગેરેની ધૂમ ખરીદી છે. આ વખતે રજવાડી, સ્ટોન, ઓક્સાઈડ, ભરવાડી કડા ડિમાંડમાં છે. ઉપરાંત મિરર જ્વેલરી પણ હોટ ફેવરિટ છે. જેમાં આ વખતે નવી ડિઝાઈન જોવા મળી રહી છે. - પિનાકીનભાઇ, વેપારી