ચીની ખેલાડીઓ પર દેશના લોકોનું દબાણ:ગોલ્ડ મેડલ ના જીતી શકાય તો દેશ પરત ફરવામાં ડરે છે, નામ બોળ્યું...એવી કમેન્ટ સહન કરવી પડે છે

ચીની ખેલાડીઓ પર દેશના લોકોનું દબાણ:ગોલ્ડ મેડલ ના જીતી શકાય તો દેશ પરત ફરવામાં ડરે છે, નામ બોળ્યું...એવી કમેન્ટ સહન કરવી પડે છે

ચીને ટોક્યો ઓલિમ્પિકમાં 431 એથલિટનું અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રુપ મોકલ્યું તેથી અપેક્ષાઓ પણ વધારે

 

મિકસ્ડ ડબલ ટીમે ગયા સપ્તાહમાં જ્યારે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો ત્યારે ખેલાડી લિઉ શાઈવેનની આંખમાં પાણી આવી ગયા હતા. તેણે કહ્યું, એવુ લાગે છે મેં ટીમનું માથુ શરમથી નીચું કરી દીધું, હું બધાની માફી માંગુ છું. તેના પાર્ટનર શૂ શિને કહ્યું કે, આખા દેશની નજર આ મેચ પર હતી. આ જ રીતે વેઈટ લિફ્ટર લિયાઓ કિયુને ગોલ્ડ મેડલ ગુમાવ્યા પછી રડતો દેખાયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ચીન એથલિટે 32 ગોલ્ડ મેડલ જીતીને ટેલીમાં ટોચ પર છે. તેમ છતાં ખેલાડીઓ ઘરે પરત ફરતાં ડરી રહ્યા છે. કારણ છે કે ગોલ્ડ મેડલ જીતવા માટે દેશના લોકોનું દબાણ ખૂબ વધારે છે.

ચીને ટોક્યોમાં 431 એથલિટનું અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રુપ મોકલ્યું છે. ખેલાડીઓ પાસે આશા રાખવામાં આવી રહી છે કે, તેઓ દરેક ગેમમાં ગોલ્ડ મેડલ જીતે. ગોલ્ડ મેડલ ના જીતી શકે તો ખેલાડીઓ જાહેરમાં માફી માંગી રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, બહુ વસતી ધરાવતા ચીનીઓ માટે મેડલ હારવાનો અર્થ છે કે તમે દેશ ભક્ત નથી. જાપાનની સામે હાર મળ્યા પછી સોશિયલ મીડિયા પર ચીનના લોકોએ ખેલાડીઓની ખૂબ નિંદા કરી છે.

અમુક યુઝર્સે લખ્યું છે કે, મિક્સ્ડ ડબલની જોડીએ દેશનું નામ ખરાબ કર્યું છે. મેડલ ગુમાવ્યુ તેનો અર્થ છે દેશને દગો કર્યો. વાત માત્ર મેચની નથી. લી જુનહુઈ અને લિઉ યુચેન પર બેડમિન્ટન ડબલ્સ ફાઈનલમાં તાઈવાન સામે હારતા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. એક યુઝર્સે લખ્યું હતું, બંને ઉંઘમાં હતા, થોડો પણ પ્રયત્ન ના કર્યો. પહેલો ગોલ્ડ મેડલ જીતનાર શાર્પશૂટર યાંગ કિયાનને પણ છોડવામાં ના આવ્યા. તેમની જૂની પોસ્ટને ટાર્ગેટ કરવામાં આવી. તેમાં તે શૂ કલેક્શન દેખાડી રહી હતી. વાંગ લુયાઓ 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં ના પહોંચી શકી તો તેમણે કમેન્ટ કરી કે, તમને પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હતા કે નબળા સાબીત થવા.

માઓનો બેઝ પહેરવા વિશે તપાસ શરૂ
ટ્રેક સાઈક્લિંગમાં ગોલ્ડ મેડલ જીતતી બે ખેલાડીઓ પર ઓલિમ્પિક કમિટિએ તપાસ શરૂ કરી છે. અબાલોન કોરલ અને ઝોંગ તિયાનશીએ પોડિયમ પર મેડલ લેતી વખતે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા માઓ જેડાંગનું બેઝ પહેર્યો હતો.

રાષ્ટ્રવાદી લાગણીઓનો ઉપયોગ કરવો તે વાઘ પર સવારી કરવા જેવુ છે- નિષ્ણાતો
આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના નિષ્ણાત પ્રો. જોનાથન હસીદ તે માટે 'લિટલ પિન્કસ'ને જવાબદાર માને છે. લિટલ પિન્કસ તે ચીની નેતાઓને કહેવામાં આવે છે જે આક્રમક થઈને સોશિયલ મીડિયા પર ઉગ્ર રાષ્ટ્રવાદી વાતો લખે છે અને બોલે છે. હસીદ કહે છે કે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી લક્ષ્યાંકોને પૂરા કરવા સાઈબર રાષ્ટ્રવાદનો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરની ઘટનાઓથી લાગે છે કે, એક વાર લોકો નારાજ થઈ જાય તો આ લાગણીઓને નિયંત્રણ કરવી મુશ્કેલ છે. રાષ્ટ્રવાદી લાગણીઓનો ઉપયોગ કરવો વાઘ પર સવારી કરવા જેવુ છે. એક વાર દોડવાનું શરૂ કરી દે તો તમે તેને સંભાળી ના શકો.