શહીદી એળે ગઈ? : બધી પરીક્ષાઓ પાસ કરવા છતાં ઘણા શહીદોની પત્ની માટે સૈન્યમાં વેકેન્સી નહીં

શહીદી એળે ગઈ? : બધી પરીક્ષાઓ પાસ કરવા છતાં ઘણા શહીદોની પત્ની માટે સૈન્યમાં વેકેન્સી નહીં

  • સંસદીય સમિતિએ કહ્યું-વેકેન્સી નહોતી તો ઓફર કેમ કરી?
  • શહીદની પત્નીએ આર્મી ચીફની પત્નીને પત્ર લખ્યો

દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોની પત્નીઓ સાથે કેવું વર્તન થઇ રહ્યું છે તેનો ખુલાસો સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટથી થયો છે. તેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે શહીદોની પત્નીઓ સૈન્યમાં નોકરી મેળવવા ડિફેન્સ સર્વિસીસથી માંડીને સ્ટાફ સિલેક્શન બોર્ડની પરીક્ષાઓ પાસ કરે તે છતાં તેમાંથી ઘણી મહિલાઓને નોકરી નથી અપાતી.

તેમને એમ જણાવી દેવાય છે કે વેકેન્સી નથી. સંસદીય સમિતિએ કહ્યું કે સૈન્યમાં અધિકારી કક્ષાએ ઘણાં પદ ખાલી છે. એવામાં શહીદોની પત્નીઓએ બધી પરીક્ષાઓ પાસ કરી લીધી હોવા છતાં તેમને નોકરીથી વંચિત રાખવી ચોંકાવનારું છે. સમિતિએ કહ્યું કે દેશ માટે શહીદ થયેલા જવાનોની પત્નીઓ જીવનની અગ્નિપરીક્ષામાંથી પસાર થઇ રહી છે.

તેમની સાથે આવો અન્યાય ક્યારેય ન થવો જોઇએ. સમિતિએ પૂછ્યું કે વેકેન્સી ન હોય તો શહીદોની પત્નીઓને પરીક્ષા આપવાની ઓફર જ કેમ કરાય છે? નોંધનીય છે કે શહીદની પત્ની ગ્રેજ્યુએટ હોય અને તેની ઉંમર 35 વર્ષથી ઓછી હોય તો તેને સૈન્યમાં ભરતી માટે ઓફર કરાય છે.

પતિના મોતને 100 દિવસ થઇ ગયા, પેન્શન હજુય દસ્તાવેજોમાં જ ગૂંચવાયેલું છે
સૈન્યના શહીદ અધિકારીના પત્નીએ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના પત્ની વીણા નરવણેને પત્ર લખ્યો છે. ચાલુ મહિને લખાયેલા આ પત્રમાં શહીદના પત્નીએ એ જણાવ્યું છે કે તેમણે કેવી રીતે ઠેર-ઠેર ભટકવું પડે છે? પત્રમાં લખ્યું છે કે મારા પતિની શહાદતને 100 દિવસ વીતી ચૂક્યા છે પણ હજુ તેમના પેન્શનનું ઠેકાણું નથી. શહીદની પત્નીએ પીસીડીએ/સીડીએ/એમપી-5, LPC જેવી ઓફિસોમાં દસ્તાવેજો જમા કરાવવાના હોય છે. સૈનિક જિલ્લા બોર્ડ તેમને ફિઝિકલી બોલાવે છે અને અંગૂઠો લગાવડાવે છે, પછી કોઇ ને કોઇ દસ્તાવેજ બાકી હોવાનું કહે છે.

( Source – Divyabhaskar )