દિલ્હીમાં શરાબ પીવાની કાયદેસરની ઉંમર કેજરી સરકારે ૨૫થી ઘટાડી ૨૧ વર્ષ કરી

દિલ્હીમાં શરાબ પીવાની કાયદેસરની ઉંમર કેજરી સરકારે ૨૫થી ઘટાડી ૨૧ વર્ષ કરી

। નવી દિલ્હી ।

દિલ્હીમાં શરાબની દાણચોરી રોકવા કેજરીવાલ સરકારે મોટું પગલું લીધું છે. નવી નીતિમાં શરાબ ખરીદી માટેની કાનૂની ઉંમરને પણ ઘટાડી દેવામાં આવી છે. પહેલાં શરાબ ખરીદ કરવાની લીગલ ઉંમર ૨૫ વર્ષ હતી. તે ઘટાડીને ૨૧ વર્ષ કરવામાં આવી છે. અર્થાત ૨૧ વર્ષથી નાની વયના લોકો શરાબ નહીં ખરીદી શકે. દેશના મોટાભાગના રાજ્યોમાં શરાબ ખરીદ કરવાની કાનૂની ઉંમર ૨૧ વર્ષ જ છે. જોકે દિલ્હીને અડીને આવેલા પંજાબ અને હરિયાણામાં શરાબ ખરીદવા માટેની કાનૂની ઉંમર ૨૫ વર્ષ છે.

દિલ્હી સરકારે આબકારી જકાતનીતિમાં મોટા ફેરફાર કર્યા છે. તે પછી દિલ્હીમાં હવે સરકાર શરાબની દુકાન નહીં ચલાવે. અર્થાત સરકારી ઠેકા નહીં અપાય. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સોમવારે એક્સાઇઝ નીતિમાં થયેલા ફેરફારોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શરાબની દુકાન ચલાવવી તે સરકારની જવાબદારી નથી. તેમણે એમ પણ કહ્યું કે શરાબની નવી દુકાનો ખોલવામાં નહીં આવે. તેનો અર્થ એ કે દિલ્હીમાં શરાબની જેટલી દુકાનો છે તેટલી જ રહેશે. દિલ્હીમાં હાલ શરાબની ૮૫૦ દુકાનો છે. તે પૈકી ૬૦ ટકા સરકારી અને ૪૦ ટકા ખાનગી છે. સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં શરાબની નવી દુકાનો નહીં ખૂલે અને તે સાથે જ સરકારી શરાબની દુકાનો બંધ થશે. સરકારી શરાબની દુકાનોની હરાજી કરવામાં આવશે અને તેમને ખાનગી હાથોમાં સોંપી દેવાશે.

પ્રાઈવેટ દુકાનોમાં વધારે રેવન્યૂ છે!। મનીષ સિસોદીયાએ આ અંગે જણાવ્યું હતું કે, હાલમાં ૬૦ ટકા જેટલી સરકારી દુકાનો છે અને તેમાં ટેક્સની ચોરીઓ વધારે પ્રમાણમાં થઈ રહી છે. તેના કરતા ૪૦ ટકા ખાનગી દુકાનોમાંથી વધારે રેવન્યૂ આવી રહી છે. હવે સરકાર આ દિશામાં આગળ વધવા વિચાર કરી રહી છે.