20 થી 45 વર્ષના લોકોને રસી અપાય તો 6 મહિનામાં કોરોના કાબૂમાં આવશે, લૉકડાઉન અસરદાર નથી

20 થી 45 વર્ષના લોકોને રસી અપાય તો 6 મહિનામાં કોરોના કાબૂમાં આવશે, લૉકડાઉન અસરદાર નથી

ડૉ. દેવી શેટ્ટીએ કહ્યું – રસી આપવામાં તેજી લાવવા પર ધ્યાન આપવું પડશે

વર્ષભર પહેલા દેશમાં એકસાથે લૉકડાઉનની હિમાયત કરનારા ડૉક્ટરો, વિજ્ઞાનીઓ અને ટેક્નિકલ નિષ્ણાતોની ટુકડીમાં સામેલ નારાયણ હેલ્થના સંસ્થાપક અને કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટી વર્તમાન સ્થિતિમાં ફરીવાર લૉકડાઉનને નકામું ગણાવ્યું છે. તેઓ કહે છે કે પહેલા લૉકડાઉનથી દેશને બદતર સ્થિતિથી બચાવી લેવાયો પણ હવે ફરી એક વિકલ્પ અપનાવવાથી કોઈ ફાયદો નહીં થાય. બીજું લૉકડાઉન કોઈ નવી તૈયારીની તક સાથે નહીં આવે અને જ્યારે લૉકડાઉન ખૂલશે ત્યારે વાઈરસ હુમલો કરવા તૈયાર જ બેઠો હશે. વાંચો તેમની વાતચીતના અંશો…

સંપૂર્ણ લૉકડાઉનને જે ફાયદો મળવાનો હતો તે મળી ગયો, બીજું લૉકડાઉન ખતમ થશે તો વાઈરસ ફરી હુમલો કરી દેશે…

આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણે જરૂરિયાત કરતાં વધુ પીપીઈ, માસ્ક, વેન્ટિલેટર અને વેક્સિન દુનિયાભરમાં નિકાસ કરી રહ્યા છીએ. જો આપણે યુદ્ધ સ્તરે વેક્સિનેશન અભિયાન ચલાવીએ અને 20થી 45 વર્ષના લોકોને પણ વેક્સિન આપીએ તો આગામી છ મહિનામાં આ મહામારી પર મહદઅંશે કાબૂ મેળવી લેવાશે. કેમ કે આ એ જ વયજૂથ છે જે સૌથી વધુ કોરોના વાઈરસને ફેલાવે છે. રાજ્ય સરકારોને પણ આ મહામારી સામે લડવા લૉકડાઉન કે નાઈટ કર્ફ્યૂ જેવાં પગલાં ભરવાની જગ્યાએ રાજકીય ઈચ્છાશક્તિ સાથે વેક્સિનેશન વધારવા પર ધ્યાન આપવું પડશે.

કોરોનાનો સામનો કરવા મજબૂત તંત્ર અને વેક્સિન વિકસિત કર્યા બાદ લૉકડાઉન જેવાં આકરાં પગલાં ભારતના ક્લાઈમેટથી મેળ નથી ખાતા. આ જ કારણ છે કે માસ્કના ફાયદાથી 99% લોકો વાકેફ હોવા છતાં ઘરેથી ફક્ત 44% લોકો જ માસ્ક પહેરી નીકળે છે કેમ કે ઉકળાટ અને તેનાથી થતી ગભરામણમાં માસ્ક પહેરવું મુશ્કેલ થઈ જાય છે. અાપણે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી સોશિયલ ડિસ્ટન્સિંગમાં મુકાબલો ન કરી શકીએ. અહીં એક કિ.મી.એ સરેરાશ 18 લોકો જ રહે છે. જ્યારે મુંબઈના ધારાવી જેવા વિસ્તારમાં અેક કિ.મી.માં બે લાખ લોકો રહે છે. દિલ્હીના ગાંધીનગરમાં પ્રતિ ચો.કિ.મી.એ આશરે 89,185 લોકો રહે છે.

એ ઠીક છે કે સક્રિય દર્દીઓની સંખ્યા અને તેમના માટે હોસ્પિટલમાં બેડની સંખ્યાને લઈને દબાણ આવી શકે છે. રાજ્ય સરકારો લૉકડાઉન માટે પણ મજબૂર થશે પણ તેની ભારે કિંમત ચૂકવવા છતાં કોઈ લાભ નહીં થાય. લૉકડાઉનથી જે લાભ થવાનો હતો તે થઈ ચૂક્યો છે. સરકારે જે તૈયારી કરવી હતી તે પહેલાથી થઈ ચૂકી છે અને વેક્સિન પણ આવી ગઈ છે. એવામાં સંપૂર્ણ ધ્યાન વાઈરસને ફેલાતો રોકવાની જગ્યાએ દેશની મોટી વસતીને વેક્સિન આપવાની દિશામાં ઝડપી કાર્યવાહી કરવી પડશે. વિકસિત દેશોની સરકારો તેના નાગરિકો પાછળ લાખો-કરોડો ડૉલર્સ ખર્ચ કરી ચૂકી છે.

( Source – Divyabhaskar )