કેરળ : 12 વર્ષનો છોકરો યુટ્યુબ પર વીડિયો જોઈ કેરોસીન અને દીવાસળીથી હેર સ્ટ્રેટ કરવા જતા મોતને ભેટ્યો

કેરળ : 12 વર્ષનો છોકરો યુટ્યુબ પર વીડિયો જોઈ કેરોસીન અને દીવાસળીથી હેર સ્ટ્રેટ કરવા જતા મોતને ભેટ્યો

  • સાતમા ધોરણમાં ભણતા શિવનારાયરનનાં ઘરે દાદી એકલા હતા ત્યારે તેણે અખતરો કર્યો
  • વાળ પર કેરોસીન લગાવી તેની પર દીવાસળી ફેરવતા આગ પકડાઈ ગઈ

ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પરથી કંઇક નવું શીખવા મથતા હોય છે. યુઝર્સ વીડિયો જોઇને પોતે પણ ટ્રાય કરે છે, પણ કેરળમાં 12 વર્ષના છોકરાએ યુટ્યુબ વીડિયો જોઇને અખતરો કરતા જીવ ગુમાવવાનો વારો આવ્યો. 12 વર્ષના છોકરાએ વીડિયોમાં જોયું કે કેરોસીન અને માચિસનાં ઉપયોગથી હેર સ્ટ્રેટ થાય છે. તેણે ઘરે ટ્રાય કર્યો અને જીવ ગુમાવ્યો.

તિરુવનંતપુરમમાં સાતમા ધોરણમાં ભણતા મૃતકનું નામ શિવનારાયરન હતું. યુટ્યુબ પર વીડિયો જોઇને તેણે મંગળવારે પોતાના વાળ પર કેરોસીન લગાવ્યું અને પછી મેચબોક્સ લઈને દીવાસળી સળગાવી હેર સ્ટ્રેટ કરવા મંડી પડ્યો, જોતજોતામાં માચિસ અને કેરોસીન ભેગું થતા આગ પકડાઈ ગઈ. દાઝેલી હાલતમાં તેને હોસ્પિટલ લઇ ગયા પણ ત્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા.

પોલીસે કહ્યું, મૃતક આખો દિવસ સોશિયલ મીડિયા પર રચ્યો-પચ્યો રહેતો હતો. આ ઘટના બની ત્યારે તેના ઘરે માત્ર દાદી જ હાજર હતા. થોડો સમય થતા દાદીએ જોયું તો તે બાથરૂમમાં ફ્લોર પર ઢળેલો પડ્યો હતો.

યુટ્યુબ પણ ઘણા વીડિયો અવેલેબલ છે, જેમાં આગથી હેર સ્ટ્રેટ થઈ જાય છે. ઘણા યુઝર્સને એવું લાગતું હોય કે ઘરે પણ આ રીતે થઈ જશે, પણ એક નાનકડી ભૂલથી શિવનારાયરનની જેમ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

( Source – Divyabhaskar )