IIT કાનપુરનો અભ્યાસ : કોરોનાની બીજી લહેરની પીક એપ્રિલના મધ્યભાગમાં આવશે, સૌથી પહેલા પંજાબ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં કેસ ઘટવા લાગશે

IIT કાનપુરનો અભ્યાસ : કોરોનાની બીજી લહેરની પીક એપ્રિલના મધ્યભાગમાં આવશે, સૌથી પહેલા પંજાબ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં કેસ ઘટવા લાગશે

કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશ માટે રાહતભર્યાં સમાચાર છે. આ મહિનાના મધ્ય ભાગ સુધીમાં બીજી લહેર સર્વોચ્ચ લેવલ પર પહોંચી જશે. એટલે કે તે સમયે એક દિવસમાં મળી રહેલા નવા દર્દીની સંખ્યા સૌથી વધારે થઈ જશે. ત્યારબાદ સંક્રમણના કેસ ઘટવા લાગશે.

સૌથી પહેલા પંજાબ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં કેસ ઘટવા લાગશે. આ બન્ને રાજ્ય કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એક ગણિતીય મોડલ સૂત્રનો અભ્યાસ કરીને આ અંગેની શક્યતા દર્શાવી છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે મે મહિનાના અંત સુધીમાં સંક્રમણના મળી રહેલા કેસમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે. પ્રથમ લહેરના સમયે સૂત્ર મોડલથી એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સંક્રમણના કેસ ઓગસ્ટ, 2020માં વધશે અને સપ્ટેમ્બર સુધીમાં તે સર્વોચ્ચ સ્તરે પહોંચશે. ત્યારબાદ ફેબ્રુઆરી,2021માં તે ઘટી જશે. અને આ જ બાબત સાબિત થઈ. વૈજ્ઞાનિક મનિંદ્ર અગ્રવાલના જણાવ્યા પ્રમાણે પંજાબ પ્રથમ રાજ્ય હશે, જ્યાં કેટલાક દિવસમાં કેસની સંખ્યા ઉચ્ચ સ્તરે પહોંચશે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં તે ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે.

છેલ્લા 24 કલાકમાં 89,019 નવા દર્દી મળ્યા
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ વિકટ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં 89,019 નવા દર્દી મળ્યા છે. તેની તુલનામાં ફક્ત 44,176 સંક્રમિત સાજા થયા છે. 713 લોકોના મોત થયા છે. એક દિવસમાં સંક્રમિત થયેલા લોકોની સંખ્યા અગાઉની પીકથી ફક્ત 9,000 ઓછી છે. આ અગાઉ 16 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે 97,860 દર્દી મળ્યા હતા. ત્યારબાદ આ આંકડા ઓછા થવાની શરૂઆત થઈ હતી.​​​​​​​

સંક્રમિતોની સંખ્યા સવા કરોડની નજીક
દેશમાં અત્યાર સુધીમાં આશરે 1.24 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આશરે 1.15 કરોડ લોકો સાજા થયા છે. 1.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 6.56 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

ફરી વખત આવ્યો લોકડાઉનનો તબક્કો
વેક્સિનેશન શરૂ થયાના લગભગ દોઢ મહિના પસાર થઈ ચુક્યા છે તેમ છતાં અનેક રાજ્યોમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ ઝડપથી આવી રહ્યા છે. આ રાજ્યોમાં સંક્રમણની ચેઈન તોડવા માટે લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ જેવા ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.

દર્દીઓ અને મૃત્યુની ઘટનામાં મહારાષ્ટ્ર આગળ
કોરોનાથી અસરગ્રસ્ત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. અહીં 29 લાખથી વધારે લોકો સંક્રમિત છે. અહીં દેશના કુલ કેસના લગભગ 25 ટકા છે. અહીં મૃત્યુનું પ્રમાણ પણ સૌથી વધારે છે. આ આંકડો અત્યારે 55 હજારને પાર થઈ ચુક્યો છે. દર્દીની સંખ્યાની દ્રષ્ટિએ કેરળ બીજા તથા કર્ણાટક ત્રીજા સ્થાન પર છે.

( Source – Divyabhaskar )