સાજિદ-વાજિદની જોડી તૂટી / વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં
- અભિનેતા રણવીર શૌરીએ ટ્વિટ કરી વાજિદ ખાનના મોતનું કારણ કોરોના હોવાનો દાવો કર્યો
- સાજિદ-વાજિદ સલમાન ખાનના પ્રિય મ્યુઝિક કમ્પોઝર, વાજિદે પહેલું પ્રથમ અને છેલ્લું ગીત સલમાન માટે તૈયાર કર્યું
- વાજિદે ગાયક તરીકે સલમાન ખાન માટે ‘હમકા પીની હૈ’, ‘મેરા હી જલવા’ સહિતના ઘણા હિટ સોંગ આપ્યા
મુંબઇ. બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું. તેઓ 42 વર્ષના હતાં. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
સોશિયલ મીડિયા પર વાજિદના મોતનું કારણ કોરોનાનું સંક્રમણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે અભિનેતા અને વાજિદના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વિટ કર્યું કે, હું મારા બાળપણના મિત્ર વિશે સમાચાર સાંભળી દુખી છું. વાજિદે કોવિડ-19 સામે હાર માની લીધી. મને આ જાણી આઘાત લાગ્યો છે. વાજિદ મારા ભાઇ તારા અને તારા પરિવાર માટે સંવેદના પ્રગટ કરુ છું. આ ખૂબ જ દુખદ છે.
પ્રથમ અને છેલ્લું ગીત સલમાન સાથે, ઇદ પર રિલિઝ થયું હતું ગીત
સાજિદ-વાજિદ સલમાન ખાનના પ્રિય મ્યુઝિક કમ્પોઝર રહ્યા છે. તેઓએ ઇદના તહેવાર પર સલમાન ‘ભાઇ-ભાઇ’ગીત રિલિઝ કર્યુ. વાજિદે 1998માં આવેલી સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી કમ્પોઝર તરીકે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને વાહિદે છેલ્લું ગીત પણ સલમાન સાથે કર્યું હતું. આ સિવાય ‘દબંગ-3’ના બધા ગીત તેમના કમ્પોઝિશનમાં તૈયાર થયા હતાં.
વાજિદે ગાયક તરીકે સલમાન ખાન માટે ‘હમકા પીની હૈ’, ‘ મારા હી જલવા’ સહિત ઘણા હિટ ગીત પણ આપ્યા. આ સિવાય ‘સોની દે નખરે’, ‘માશાઅલ્લાહ’, ‘ડૂ યૂ વન્ના પાટનર’ સહિત ઘણા બ્લોકબસ્ટર ગીત આપ્યા. ફિલ્મ ‘દબંગ’ના મ્યૂઝિક માટે તેમને 2011માં ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.