શું આ રીતે ભણશે ગુજરાત? ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 5 લાખમાંથી 1.89 લાખ વિદ્યાર્થી નાપાસ

શું આ રીતે ભણશે ગુજરાત? ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 5 લાખમાંથી 1.89 લાખ વિદ્યાર્થી નાપાસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરવામાં આવ્યું છે. જોકે, સામાન્ય પ્રવાહનું એકંદરે પરિણામ ૬૨.૭૦ ટકા જેટલું જ આવ્યું છે.

સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી, પુનરાવર્તિત વિદ્યાર્થી, ખાનગી નિયમિત અને ખાનગી પુનરાવર્તિત વિદ્યાર્થીઓ મળી કુલ ૫,૦૬,૮૪૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩,૧૭,૮૪૩ વિદ્યાર્થીઓ પાસ થવામાં સફ્ળ રહ્યા હતા. આમ, એકંદરે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૬૨.૭૦ ટકા પરિણામ આવ્યું હતું.

ગતવર્ષની સરખામણીમાં આ વખતે પરિણામમાં ૩.૦૨ ટકાનો વધારો થયો છે. સૌથી વધુ પરિણામ આ વખતે પણ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ફ્રીવાર વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૨.૨૦ ટકા આવ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૭૦.૯૭ ટકા આવ્યું છે. આમ, વિદ્યાર્થિનીઓના પરિણામમાં ૧૧.૨૩ ટકાનો જંગી તફવત જોવા મળી રહ્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના ૪૭૬ કેન્દ્રો પરથી લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ૩,૭૩,૧૫૯ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી ૩,૭૧,૭૭૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૨,૮૩,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૭૬.૨૯ ટકા જેટલું આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ થયા ન હોય તેવા પુનરાવર્તિત વિદ્યાર્થીઓ તરીકે ૭૯,૬૫૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૭૬,૭૬૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૦,૦૭૩ વિદ્યાર્થીઓ સફ્ળ થયા છે. આમ, પુનરાવર્તિત વિદ્યાર્થીઓનું પરિણામ ૨૬.૧૫ ટકા આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના બનાસકાંઠા જિલ્લાના સોની કેન્દ્રનું સૌથી વધુ ૯૭.૭૬ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગીર સોમનાથના ડોળાસા કેન્દ્રનું ૩૦.૨૧ ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ૨૯૮૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૮૩૧ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ૨૦ ટકાના પાસિંગ સ્ટાન્ડર્ડ સાથે પાસ થયા છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ગેરરીતિના કિસ્સાઓની સંખ્યામાં પણ જંગી ઘટાડો થયો છે. ગતવર્ષે ૨૭૩૦ કોપી કેસની સામે આ વખતે ૭૪૪ કોપી કેસ જ નોંધાયા છે.

૧૦૦ ટકા પરિણામવાળી સ્કૂલો વધીને ૨૬૯ થઈ

રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ લાવનારી સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે. ગતવર્ષે ૨૨૨ સ્કૂલોનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું. જોકે, આ વખતે તેમાં ૪૭નો વધારો થયો છે અને કુલ આંકડો ૨૬૯ પર પહોંચ્યો છે. જ્યારે ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગતવર્ષે ૭૯ સ્કૂલોનું પરિણામ ૧૦ ટકા કરતા ઓછું આવ્યું હતું. જોકે, આ વખતે તેમાં ૨૩ના ઘટાડા સાથે આંકડો ૫૬ પર અટક્યો છે.

A૧ ગ્રેડમાં કુલ ૫૨૨ વિદ્યાર્થી : અમદાવાદમાં ૪૦ અને ગ્રામ્યના ૧૬ મળીને માત્ર ૫૬ જ વિદ્યાર્થીઓ

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એ-૧ ગ્રેડમાં કુલ ૫૨૨ વિદ્યાર્થીઓ આવ્યા છે. જેમા અમદાવાદ શહેરના ૪૦ અને ગ્રામ્યના ૧૬ મળીને માત્ર ૫૬ વિદ્યાર્થીઓ જ અમદાવાદ જિલ્લાના એ-૧ ગ્રેડ મેળવવામાં સફ્ળ થયા છે. જ્યારે સુરતની સૌથી વધુ ૧૮૯ વિદ્યાર્થીઓ અને રાજકોટના ૧૦૮ વિદ્યાર્થીઓ એ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જોકે ડાંગ, વલસાડ, દમણ, દાહોદ, તાપી, દિવસ, છોટાઉદેપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાથી એકપણ વિદ્યાર્થી એ-ગ્રેડ મેળવી શક્યો નથી.