ભારતની પહેલી કોરોના વેક્સિન ૧૫ ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી દેવાનો ICMRનો લક્ષ્યાંક

ભારતની પહેલી કોરોના વેક્સિન ૧૫ ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી દેવાનો ICMRનો લક્ષ્યાંક

। નવી દિલ્હી ।

ભારત સરકારની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડને ૧૫મી ઓગસ્ટ સુધીમાં કોરોના વાઇરસ માટેની તેના દ્વારા નિર્માણાધીન વેક્સિન કોવેક્સિનને જાહેર આરોગ્ય ઉપયોગ માટે લોન્ચ કરવાનો આદેશ આપ્યો છે. ICMRના વડા બલરામ ભાર્ગવે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ પછી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં જાહેર આરોગ્યના ઉપયોગ માટે કોરોનાની રસી લોન્ચ કરી દેવાય તેવી આશા રાખીએ છીએ. કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે એક ડઝન સંસ્થાઓની પસંદગી કરાઇ છે. ભારત બાયોટેકને આઇસીએમઆર દ્વારા ક્લિનિકલ ટ્રાયલ પ્રાથમિકતાના ધોરણે શરૂ કરી દેવાનો આદેશ અપાયો છે. આ પ્રોજેક્ટ પર ભારત સરકાર ટોચના લેવલથી મોનિટર કરી રહી છે.

આઇસીએમઆરના પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, ક્યાંતો રસી બજારમાં લોન્ચ કરો અથવા તો પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. નોંધ લેવામાં આવે કે આ આદેશની અવગણનાને ગંભીરતાથી ધ્યાન પર લેવામાં આવશે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે, આ પ્રોજેક્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવે અને કોઇપણ ભૂલ વિના આપેલી સમયમર્યાદાનું પાલન કરવામાં આવે.

કોવેક્સિનની ટ્રાયલ માટે પસંદ કરાયેલી સંસ્થાઓને આઇસીએમઆરે આદેશ આપતાં જણાવ્યું હતું કે, તમારી સંસ્થાને કોરોના વાઇરસની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદ કરાઇ છે. કોવિડ-૧૯ની મહામારીના કારણે જાહેર આરોગ્ય પર સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં લેતાં અને વેક્સિનની તાતી જરૂરિયાતના પગલે તમને ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાનો કડકાઇથી આદેશ આપવામાં આવી રહ્યો છે. ૭ જુલાઇ ૨૦૨૦થી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરાશે.

બીજી બાજુ, WHOએ જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય તેવી અસરકારક દવાનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. આગામી બે અઠવાડિયામાં જ આ પરીક્ષણના સકારાત્મક પરિણામો મળી જાય તેવી શક્યતા છે.

કોવેક્સિન” ICMR અને ભારત બાયોટેકનું સંયુક્ત સાહસ

ભારત બાયોટેક દેશની પહેલી ફાર્માસ્યુટિકલ કંપની છે જેને ૩૦મી જૂને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તેના દ્વારા તૈયાર કરાયેલી કોરોના વાઇરસની વેક્સિન કોવેક્સિનની હ્યુમન ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી હતી. પૂણે સ્થિત આઇસીએમઆર-નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજી દ્વારા અલગ તારવવામાં આવેલા SARA-CoV-૨ના સ્ટ્રેઇનમાંથી ભારત બાયોટેક દ્વારા વેક્સિન તૈયાર કરાઇ છે. આઇસીએમઆર અને ભારત બાયોટેક સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.

કયા હાથ ધરાશે ક્લિનિકલ ટ્રાયલ

  • વિશાખાપટ્ટનમ
  • રોહતક
  • નવી દિલ્હી
  • પટના
  • બેલગામ
  • નાગપુર
  • ગોરખપુર
  • કટ્ટનકુલાથુર
  • હૈદરાબાદ
  • આર્યનગર
  • કાનપુર
  • ગોવા

ઝાયડસ કેડિલાને કોરોનાની વેક્સિનની  માનવી પર ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી

ડીજીસીઆઇએ ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીને કોરોનાની વેક્સિનની માનવી પર ક્લિનિકલ ટ્રાયલ કરવાની પરવાનગી આપી દીધી છે. ભારતમાં હાલ બે ફાર્માસ્યુટિકલ કંપનીઓની વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી અપાઇ છે. દેશમાં હાલ ૭ જેટલી કોરોના વેક્સિન પર સંશોધન ચાલી રહ્યું છે. ઝાયડસ કેડિલા કંપનીને પ્રિ-ક્લિનિકલ ટ્રાયલમાં સંતોષકારક પરિણામ મળ્યાં છે.

ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, અમે માર્ચ મહિનાથી આ દિશામાં કાર્યરત હતા. અમે રસી વિકાસવવા માટે વિવિધ પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા હતા. અમે સૌથી પહેલાં માઈસ, રેટ, ગીની પિગ અને રેબિટ ઉપર અભ્યાસ કર્યો હતો. પરિણામો પણ હકારાત્મક હતા. અમને જોવા મળ્યું કે તેમની ઈમ્યુનિટી સિસ્ટમ સારો પ્રતિભાવ આપતી હતી અને દવા દ્વારા વાઈરસ પણ ન્યૂટ્રલાઈઝ થઈ ગયો હતો. આ અભ્યાસના આધારે અમે ૨૮ દિવસનો ટોક્સિસિટી અભ્યાસ પણ કર્યો હતો. વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ ઉપર રસીની સારી અસર જોવા મળી હતી અને તેમની ઈમ્યુનિટી સિસ્ટમ વિકસી હતી. તેના કારણે જ અમે આ રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. અમને પહેલા તબક્કાના ટ્રાયલ માટે પરવાનગી પણ મળી ગઈ છે. અમને આશા છે કે, ત્રણ મહિનામાં રસીનું માનવ પરીક્ષણ થઈ જશે અને તેના હકારાત્મક પરિણામો મળશે.

ફર્મા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ : ફૂડ એન્ડ ડ્રગ કમિશનર

ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો.એચ.જી. કોશિયાએ જણાવાયુ કે, ગુજરાતની ઝાયડસ કેડિલાએ કોરોનાના સ્પાઇક પ્રોટીનના જીન્સને એંનકોડ કરી વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. કંપની ભારતમાં ૧૦૦૦ વ્યક્તિ પર પરીક્ષણ હાથ ધરશે. કંપનીએ દેશમાં સૌ પ્રથમ Swine Flu H૧N૧ રસી બનાવી હતી.