કોરોનાથી બચશો તો મોંઘવારી ઠાર મારશે! ફેસ માસ્ક અને સેનેટાઈઝને લઈ કેન્દ્રનું નવું ગતકડું

કોરોનાથી બચશો તો મોંઘવારી ઠાર મારશે! ફેસ માસ્ક અને સેનેટાઈઝને લઈ કેન્દ્રનું નવું ગતકડું

કોરોના વાયરસના કારણે ભારતમાં 2 મહિનાથી પણ વધારે સમયગાળા માટે આપવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક લોકો માટે આર્થિક પડકારો ઉભા થયા છે. રોજગારી, નોકરી અને ધંધાને લઈને કરોડો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણયે નવી મુસીબત આદરી છે.

કોરોના વાયરસના વધતા કેસોના કારણે લોકો માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. પણ હવે સરકારે તેના પર બોજો વધારી દીધો છે. સરકારે માસ્ક અને સેનિટાઇઝર આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જેને ફરી એકવાર બદલવામાં આવ્યો છે. હવે સરકારે માસ્ક અને સેનિટાઇઝરને Essential Commodity Actની યાદીમાંથી હટાવી દીધા છે.

કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાનએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોરોના વાયરસના ખતરા બાદ બજારના વલણને જોતાં સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ-1955ની અનુસૂચીમાં સંશોધન કરી સર્જિકલ ફેસ માસ્ક, N95 માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરને 30 જૂન સુધી આવશ્યક વસ્તુ જાહેર કરી હતી. તેનાથી તેની ઉપલબ્તા વધશે અને કાળા બજારી અટકશે.

કોવિડ-19ના પ્રકોપ અને પ્રબંધન માટે લૉજિસ્ટિક સંબંધી ચિંતાઓને જોતા સરકારે આ નિર્ણય લીધો હતો. કારણ કે માસ્ક (2 પ્લાય અને 3 પ્લાય સર્જિકલ માસ્ક, N95 માસ્ક) અને હેન્ડ સેનિટાઇઝર બજારમાં મોટાભાગના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ નથી અથવા તો ખૂબ વધારે ભાવે મુશ્કેલીથી ઉપલબ્ધ થઈ રહ્યા હતા.

મંત્રાલયના નિવેદન મુજબ, સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955ની અનુસૂચીમાં સંશોધન કરતા માસ્ક અને સેનિટાઇઝરને 30 જૂન 2020 સુધી આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આવશ્યક વસ્તુ અધિનિયમનું ઉલ્લંઘન કરાનારને સાત વર્ષની સજા થઈ શકે છે અથવા તો દંડ ભરવો પડી શકે છે, કે જેલ અને દંડ બંને થઈ શકે છે. પરંતુ હવે આ નિયમમાં સુધારો કરતા ફેસ માસ્ક અને સેનેટાઈઝર મોંઘા થશે. જેથી કોરોના કાળમાં લોકો માટે ફેસ માસ્ક અને સેનેટાઈઝર પરનો ભાવ વધારો પડતા પર પાટુ સમાન હશે.