અમેરિકાએ WHO સાથે છેડો ફાડવા રાષ્ટ્રસંઘને દસ્તાવેજો સોંપ્યા

અમેરિકાએ WHO સાથે છેડો ફાડવા રાષ્ટ્રસંઘને દસ્તાવેજો સોંપ્યા

। વોશિંગ્ટન ।

વિશ્વ આરોગ્ય સંગઠનથી અલગ થવા માટે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવને દસ્તાવેજો સોંપી દીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠનથી અલગ થવા માટેના નિયમ મુજબ એક વર્ષ પહેલાં જાણ કરવાની હોય છે. આ નિયમ હેઠળ અમેરિકાએ ૬ જુલાઈ ૨૦૨૧ પહેલાં વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી નીકળી જઈ શકશે નહીં. જો કે એ એક વર્ષ દરમિયાન નિર્ણય બદલી પણ શકાય છે.

અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે સબંધ તોડી નાંખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું એ અંગે અમેરિકા અને વિશ્વ આરોગ્ય સંગઠન વચ્ચે વિવાદ શરૂ થયો હતો. અમેરિકાનું માનવું છે કે કોરોના વાઇરસના સંક્રમણ માટે ચીન જવાબદાર છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે કોરોનાના સંક્રમણ મામલે ચીને જવાબદારીપૂર્વક પોતાની ભૂમિકા ભજવી છે.

આ વિવાદ વકરતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેમાં જાહેરાત કરી હતી કે અમેરિકા વિશ્વ આરોગ્ય સંગઠન સાથેના સબંધો તોડી નાંખશે. વિશ્વ આરોગ્ય સંગઠનને તેમણે ચીનની કઠપૂતળી પણ ગણાવી હતી. જોકે, હવે રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે જંગ ખેલનાર જો બિડેને જાહેરાત કરી છે કે જો ડેમોક્રેટો ફરી સત્તામાં આવશે તો અમેરિકા ફરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં સામેલ થઈ જશે.