વરસાદમાં ભીંજાયા બાદ માણો ગરમા-ગરમ દાળવડા

વરસાદમાં ભીંજાયા બાદ માણો ગરમા-ગરમ દાળવડા

વરસાદે હવે દસ્તક આપી છે. કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે. ત્યારે આજે વરસાદમાં ભીંજાતા ભીંજાતા ગરમા ગરમ દાળવડા મળી જાય તો પછી લીલા લહેર થઈ જાય. આજે અમે આપને બહાર મળે છે તેવા પ્રખ્યાત દાળવડાને ઘરેજ બનાવવાની સરળ રીત શીખવીશુ જેને તમે ઘરે જ બનાવી આ વરસાદની સિઝનમાં ભરપુર આનંદ ઉઠાવી શકશો.

દાળવડા એ મોટાભાગે ગુજરાતમાં વરસાદની મોસમ વખતે ખાવામાં આવતો નાસ્તો છે. મગની ફોતરાંવાળી દાળ અને ફોતરાં ઉતારેલી દાળ ભેગી કરીને, પલાળીને વાટી લેવામાં આવે છે. તેને થોડો સમય આથો આવવા માટે રાખવામાં આવે છે. આ ખીરામાં લીલા મરચાં, આદું, કોથમીર, વગેરે નાખીને તેના વડા ગરમ તેલમાં તળવામાં આવે છે.

દાળવડા બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળને આગલી રાતે પલાળી દો ત્યાર બાદ સવારે તેને મિક્સરમાં અધકચરી વાટવી અને તેમાં થોડું મીઠું નાંખવું.ત્યાર બાદ આદુ, મરચાં, હીંગ, લસણ વાટીને નાંખવા. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ આ પેસ્ટ નું ખીરું બનાવીને એક પછી એક તેલમાં તળવા.

હવે જરુર મુજબ તળાયા બાદ દાળવડને કાઢી ગરમા-ગરમ દાળવડાં મરચાં અને ડુંગળી સાથે પીરસો. વરસાદમાં પલળીને ઘરે આવો ત્યારે ચટપટુ, તીખુ અને તળેલુ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે તો આજે તમે પણ ટ્રાઈ કરો અને બનાવો ગરમાગરમ અને સ્વાદિષ્ટ એવા દાળવડા.