વર્લ્ડ કપ / ભારત-પાકિસ્તાન વચ્ચે આજે માન્ચેસ્ટરમાં મેચ; વરસાદની 63% સંભાવના, બંને દેશના લોકો વેધર રિપોર્ટ સર્ચ કરી રહ્યાં છે


। માન્ચેસ્ટર ।

ફૂટબોલનું વિશ્વવિખ્યાત માન્ચેસ્ટર હવે ક્રિકેટના યુદ્ધનું મેદાન બનવા જઇ રહ્યું છે અને તેમાં બે યોદ્ધા છે ભારત અને પાકિસ્તાન. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં આ મુકાબલો હાઇવોલ્ટેજ તથા બહુપ્રતિષ્ઠિત છે, કરોડો ક્રિકેટપ્રેમીઓ આ મુકાબલાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશવાસીઓની અપેક્ષા તથા ઝનૂન વચ્ચે વાદળોની લુકા-છિપીમાં બંને ટીમોએ શનિવારે આકરી પ્રેક્ટિસ કરી હતી. આ પ્રેક્ટિસને તેઓ રવિવારે હકીકતમાં બદલવાનો પ્રયાસ કરશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મુકાબલો હોય કે પછી કોઇ પણ રમતનો. પ્રશંસકોનો રોમાંચ ચરમ સીમાએ હોય છે. મેચના પરિણામ ઉપરથી નાયક તથા ખલનાયક નક્કી કરવામાં આવે છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે તમામ છ મેચમાં વિજય હાંસલ કર્યો હોવાના કારણે વિરાટ કોહલી ઉપર આ પરંપરા જારી રાખવાનું દબાણ રહેશે.

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલા પહેલાં બંને દેશના લાખો લોકો સહિત વિશ્વભરના ક્રિકેટ સમર્થકોએ માન્ચેસ્ટરના વેધર રિપોર્ટ અંગે ગૂગલ પર સર્ચ કર્યું હતું. એક્યૂવેધર ડોટ કોમના અનુસાર રવિવારે માન્ચેસ્ટરામાં વરસાદની ૬૩ ટકા સંભાવના છે. મેચની પૂર્વસંધ્યાએ પણ ઝરમર વરસાદના ઝાપટાં ચાલુ હતા જેના કારણે ભારત અને પાકિસ્તાનની મેચ પણ પ્રભાવિત થાય તેમ છે.

વર્લ્ડ કપની ૧૯માંથી ત્રણ મેચો વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. એક મેચનું પરિણામ આવ્યું નહોતું. માન્ચેસ્ટરમાં રવિવારે વરસાદની પૂરી સંભાવના છે.

પિચ રિપોર્ટ । ઇંગ્લેન્ડની બીજી ફાસ્ટેસ્ટ પિચ છે અને વરસાદી વાતાવરણના કારણે પ્રારંભિક કલાકમાં પેસ બોલર્સને મદદ મળશે.  પિચ ઉપર કવર હોવાથી તે ડ્રાય અને સપાટ છે. ઇનિંગ્સના પાછલા તબક્કામાં સ્પિનર્સને એક્સ્ટ્રા બાઉન્સ મળી શકે છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું વધારે પસંદ કરશે.  બેટિંગ માટે સ્વર્ગસમી પિચ હોવાના કારણે બોલ વધારે સ્વિંગ થશે નહીં. સપાટ પિચના કારણે બોલ ઉપરની શાઇનિંગ જતા રહ્યા બાદ રિવર્સ સ્વિંગમાં મદદ મળશે.

હવામાન રિપોર્ટ  

માન્ચેસ્ટરમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ ઠંડું થઇ ગયું છે અને ટેમ્પરેચર સરેરાશ ૧૩ ડિગ્રીનું રહ્યા કરે છે. મેચ દરમિયાન પણ આટલું ટેમ્પરેચર રહી શકે છે. બપોરના સમયે વરસાદનું આગમન થઇ શકે છે જેના કારણે કદાચ ૧૦૦ ઓવરની પૂરી મેચ રમાય તેવી ઓછી સંભાવના છે. મેચ દરમિયાન કેટલીક વખત છૂટોછવાયા વરસાદના ઝાપટાંની પણ સંભાવના છે.

હવામાન : જો અને તો

ઇંગ્લેન્ડ ખાતે રમાતા વર્લ્ડ કપમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦:૦૦ વાગ્યે (ભારતીય સમય અનુસાર બપોરે ૨:૩૦ કલાકે) ટોસ થાય છે. રવિવારે ઇંગ્લેન્ડના સમય મુજબ સવારે ૧૦ વાગ્યાની આસપાસ ૪૩% વરસાદની સંભાવના છે. આ કારણથી ટોસમાં વિલંબ થઇ શકે છે. મેચ સ્થાનિક સમય અનુસાર ૧૦:૩૦ કલાકે (ભારતીય સમય મુજબ બપોરે ૩:૦૦ વાગ્યે) મેચ શરૂ થશે પરંતુ તે સમયે પણ ૪૩થી ૪૭% વરસાદની સંભાવના છે.

ટીમ કોમ્બિનેશન પર નજર રહેશે

ભારતીય ટીમની નેટ્સમાં મોહમ્મદ શમીએ લાંબા સમય સુધી બોલિંગ કરી હતી. પિચ તથા હવામાનને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમ મેનેજમેન્ટ એક સ્પિનરને પડતો મૂકીને શમીને ટીમમાં સામેલ કરી શકે છે. આમ પાકિસ્તાન સામે ભારતીય ટીમ પેસ એટેકનો ત્રિપાંખિયો હુમલો કરી શકે છે. પિચ ભેજના કારણે નરમ હોવાથી ચાઇનામેન બોલર કુલદીપ યાદવ બહાર બેસી શકે છે. શિખર ધવનની ગેરહાજરીમાં ભારત લોકેશ રાહુલ પાસે ઓપનિંગ કરાવીને ચોથા ક્રમે વિજય શંકરને સ્થાન આપી શકે છે.

પાક.નું ઝડપી આક્રમણ મજબૂત

પાકિસ્તાન મોહમ્મદ આમિર, શાહિન આફ્રિદી તથા વહાબ રિયાઝ જેવા ઘાતક બોલર છે પરંતુ તેઓ દબાણમાં વેરવિખેર થઇને લાઇનલેન્થ ગુમાવી દે છે. સિનિયર ખેલાડી શોએબ મલિક તથા મોહમ્મદ હફિઝ સ્પિન આક્રમણ સંભાળશે.

ભારતીય ટીમ । વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, હોર્દિક પંડયા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, શિખર ધવન.

પાકિસ્તાન ટીમ । સરફરાઝ એહમદ (સુકાની), ફખર ઝમાન, ઇમાન ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહૈલ, હસન અલી, શાદાબ ખાન, મોહમ્મદ હફિઝ, મોહમ્મદ હુસનૈન, શાહિન શાહ આફ્રિદી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, શોએબ મલિક, ઇમામ વસીમ, આસિફ અલી.

આઉટફિલ્ડ સૂકવવા હેલોઝનનો ઉપયોગ

વરસાદના કારણે મેચો રદ થતાં આઇસીસીએ રવિવારના મુકાબલાને બચાવવા માટે વિવિધ પગલાં ભર્યા છે. જેના ભાગરૂપે ભીના થયેલા આઉટફિલ્ડને સૂકવવા માટે ૧૨ હેવી હેલોઝનવાળા સ્ટેન્ડ મેદાનમાં ગોઠવવામાં આવ્યા છે. જોકે વરસાદ તેની ઉપર પણ પાણી ફેરવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Visa & Immigration
Ashadeep Newspaper

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓને હાંકી મૂકવા ટ્રમ્પની ધમકી

અમેરિકાનાં પ્રમુખપદની ચૂંટણી માટે પુનઃ ઉમેદવારી નોંધાવવાની જાહેરાતની પૂર્વસંધ્યાએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કરોડો લોકોને હાંકી

Read More »
World
Ashadeep Newspaper

મહામારીનો માર : દર છઠ્ઠો અમેરિકન ભૂખનો સામનો કરી રહ્યો છે, 2008ની મંદીથી પણ ખરાબ હાલત

દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર સામે અન્ન સંકટ અમેરિકામાં પાંચ કરોડથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે કોરોના મહામારીના

Read More »