હવે ડિઝનીલેન્ડ જોવા US નહીં જવું પડે, દેશનું પહેલું ડિઝનીલેન્ડ ગુજરાતમાં બનાવવા પ્રયાસો શરૂ

હવે ડિઝનીલેન્ડ જોવા US નહીં જવું પડે, દેશનું પહેલું ડિઝનીલેન્ડ ગુજરાતમાં બનાવવા પ્રયાસો શરૂ

ગુજરાતીઓ સહિત દેશભરના નાગરીકોને અમ્યુઝમેન્ટ પાર્ક માટે અમેરિકા કે વિશ્વના અન્ય કોઈ દેશ સુધી લાંબા થવુ નહી પડે. ડિઝનીલેન્ડ ગુજરાતમાં જ આકાર પામે તેના માટે રાજ્યના પ્રવાસન વિભાગે ખાસ ઓફરો સાથે પ્રયાસો હાથ ધર્યા છે.

જો બધુ જ સમુસૂતરૂ પાર ઉતર્યુ તો મનોરંજનની દુનિયામાં પણ ગુજરાતનું નામ પ્રથમ હરોળમાં રહશે અને પર્યટન ઉદ્યોગ વધુ વેગવંતો બનતા તેની સાથે સંકળાયેલા વેપાર- રોજગારમાં વૃધ્ધી થશે.

ભારતમાં વોટરપાર્ક તો ઘણા છે. તેની શરૂઆત પણ ગુજરાતમાંથી જ થઈ હતી. હવે ડિઝનીલેન્ડ પણ ગુજરાતમાં આવે તેના માટે પ્રવાસન વિભાગે તૈયારી દર્શાવી છે. આ વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ ઓફિસરના કહેવા મુજબ અમેરિકા સ્થિત ડિઝનીલેન્ડ કંપનીના માલિક ભારતમાં યોગ્ય જગ્યાની શોધખોળ કરી રહ્યા છે.

અગાઉ તેમણે મુંબઈ નજીક પાર્ક સ્થાપવા નજર દોડાવી હતી. જો કે, હવે તેમણે પ્લાન બદલ્યો છે અને મુંબઈની બહાર ડિઝનીલેન્ડ બનાવવા માંગે છે. ટાટા નેનો પ્લાન્ટની જેમ આ તકને ઝડપી લેવા સરકારે ડિઝનીલેન્ડ કંપનીને ખાસ છુટછાટો આપવાની તૈયારી સાથે પ્રયાસો આદર્યા છે. ગુજરાતમાં ટુરીઝમ- એન્ટરટેઈન સેક્ટરમાં ડિઝનીલેન્ડ જેવો મોટો પાર્ક ઉમેરાય તો પહેલાથી પર્યટન સાઈટ ધરાવતા રાજ્યના અર્થતંત્રને પણ મોટો ફાયદો થઈ શકે છે.

આથી, સરકાર આવા પાર્કમાં નશાબંધી સહિતના કાયદાઓમાં ઉદાર વલણ અપનાવી શકે છે. જેથી મધ્ય-પૂર્વ એશિયાના દેશો સહિત વિશ્વભરના વિદેશી પ્રવાસીઓને ગુજરાત માટે આકર્ષણ ઉભુ કરી શકાય.

વિશ્વમાં માત્ર છ જ ડિઝની પાર્ક આવેલા છે. જેમાં અમેરિકામાં કેલિર્ફોિનયા, ફ્લોરિડામાં જ બે પાર્ક છે. જ્યારે બાકીના ચાર જાપાનમાં ટોક્યો, ફ્રાંસના પેરિસમાં, હોંગકોંગ અને ચીનમાં આવેલા છે. ગુજરાતમાં જો ડિઝનીલેન્ડ પાર્ક બને તો તે ભારતનો પહેલો હશે.