તમને લોકોની ચિંતા નથી તો સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી : સુપ્રીમ

તમને લોકોની ચિંતા નથી તો સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી : સુપ્રીમ

। નવી દિલ્હી ।

દિલ્હી અને એનસીઆરમાં ભયાનક સ્તરે વધેલા પ્રદૂષણ મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટે સરકારોને આડે હાથે લીધી હતી. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચ દ્વારા સરકારોની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. સુપ્રીમે સ્પષ્ટ ટકોર કરતા જણાવ્યું કે, સરકારોને હવે ગરીબોની કોઈ ચિંતા જ નથી. કલ્યાણની અવધારણા જ હવે બદલાઈ ગઈ છે. સરકારો લોકોને ભયાનક પ્રદૂષણમાં મરતા છોડી રહી છે. સુપ્રીમે તેજાબી ચાબખાં મારવા ઉપરાંત સવાલ કર્યો હતો કે, તમે શું દેશને ૧૦૦ વર્ષ પાછળ લઈ જવા માગો છો? ઉલ્લેખનીય છે કે, સુનાવણીમાં પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવ સુપ્રીમ સામે હાજર રહ્યા હતા. સુપ્રીમે ત્રણે રાજ્યોના સચિવોને સણસણતો સવાલ કર્યો હતો કે, તમે ધૂળ, કચરા અને નિર્માણકાર્યોની સમસ્યાઓ ઉકેલી શકતા નથી તો તમને આ પદ ઉપર રહેવાનો કે સત્તામાં રહેવાનો શું અધિકાર છે? કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, બધાને ખબર છે કે, દર વર્ષે પરાળ સળગાવવામાં આવે જ છે. આવતા વર્ષે પણ તેવું જ થવાનું છે. સરકારો આ માટે પહેલેથી તૈયારીઓ કેમ નથી કરતી? લોકોને આ માટે મશીનો શા માટે નથી ઉપલબ્ધ કરાવવામાં આવતા? હાલમાં જે સ્થિતિ છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, સમગ્ર વર્ષ પ્રદુષણને રોકવા માટે કોઈ પગલાં જ લેવામાં આવ્યા નથી.

તમારી પાસે ફંડ ન હોય તો અમને કહો

કોર્ટે પંજાબના ચીફ સેક્રેટરીને ધધડાવતા કહ્યું કે, તમારી પાસે ફંડ છે? ના હોય તો અમને જણાવો. પરાળની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે તેમને ફંડની વ્યવસ્થા કરી આપીશું. કોર્ટે ત્રણેય રાજ્યોની ઝાટકણી કાઢતા કહ્યું કે, તમને ગરીબોની ચિંતાજ નથી. લોકો અસ્થમા, કેન્સર અને શ્વાસના રોગોથી મરી રહ્યા છે. લોકોને આવી રીતે મરતા છોડી શકાય તેમ નથી. ગરીબો વિશે તમે વિચારી ન શકતા હોવ તો હવે અમારે વિચાર કરવો પડશે. જસ્ટિસ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, વર્લ્ડ બેન્ક પાસેથી આવતું ભંડોળ જાય છે ક્યાં? સ્માર્ટ સિટીના કોન્સેપ્ટ તૈયાર છે તો કામગીરી ક્યાં છે? રસ્તાઓમાં કોઈ સુધારા નથી. દિલ્હીમાં હજી પણ નિર્માણકાર્યો ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સરકારો આ મુદ્દે કેમ ગંભીરતા દાખવતી નથી. ખેડૂતો પરાળ સળગાવે છે તેના કરતા સરકાર તેમની પાસેથી પરાળ ખરીદી લેતી કેમ નથી? તેઓ પરાળ ઉઘરાવી કેમ નથી લેતા? પરાળ સળગાવાતી અટકાવવા મુદ્દે અમને લોકશાહીઢબે રચાયેલી સરકારો ઉપર વિશ્વાસ છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ આ દિશામાં કામ કરશે.

કરોડો લોકાની જિંદગી અને મોતનો સવાલ છે । કોર્ટે જણાવ્યું કે, અમારે ચિંતા કરવી પડે છે કારણ કે આ કરોડો લોકોની જિંદગી અને મોતનો સવાલ છે. અમારે આ મુદ્દે સરકારને જવાબદાર બનાવવી જ પડશે. તમને લોકોને શરમ નથી આવતી કે ફ્લાઈટ ડાઈવર્ટ કરવા જેટલું પ્રદૂષણ વધી ગયું છે. લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. અમે કલ્પના પણ નથી કરી શકતા કે લોકો આ પ્રદૂષણના કારણે કેવી કેવી ભયાનક બીમારીઓનો ભોગ બનતા હશે.