2020માં હું ચૂંટણી હારી જઇશ તો અમેરિકામાં ભયંકર મંદી આવશે : ટ્રમ્પની ચેતવણી

2020માં હું ચૂંટણી હારી જઇશ તો અમેરિકામાં ભયંકર મંદી આવશે : ટ્રમ્પની ચેતવણી

રોકાણકારો, કંપનીઓ અને ગ્રાહકો માટે મોટી ચિંતા નાણા બજારમાં મહામંદીના એંધાણ દેખાયા

વોશિંગ્ટન, તા. 17 ઓગસ્ટ, 2019, શનિવાર

પ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો હું 2020ની ચૂંટણી હારી જઇશ તો દેશમાં ભયંકર મંદી આવશે. તેમણે દલીલ કરી હતી કે એ મતદારો જેઓ મને પસંદ કરતા નથી તેમને તેમણે પણ દેશની મજબૂત અર્થ વ્યવસ્થા અને ઓછા બેરાજગારી દર માટે  મને મત આપવા  પડશે.જો કે ખાનગીમાં ટ્રમ્પને એવો ભય સતાવે છે કે  ચૂંટણીના દિવસે  અર્થતંત્ર એટલો મજબૂત નહીં હોય. 

નાણા બજારે તો સંકેતા આપી જ દીધો હતો કે ચાલુ સપ્તાહ થીજ મંદીની શરૂઆત થઇ જશે. પરિણામે રોકાણકારો, કંપનીઓ અને ગ્રાહકોને મોટો ઝાટકો લાગ્યો હતો.

ચીની અને વિશ્વના અન્ય દેશોના ઉત્પાદનો પર સજારૂપે ટેરિફ વધારવાની ટ્રમ્પની યોજના અને સંકોચાતા  બ્રિટન તેમજ જર્મનીના અર્થતંત્રની સ્િથિતિએ ટ્રમ્પની ચિંતામાં વધારો કર્યો હતો.આમ તો જો કે ચૂંટણી પહેંલા મંદીની  શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ  બીજી વખત પણ પ્રમુખ બનવા માટે એક મજબૂત અર્થતંત્રનો વાયદો કરનાર  ટ્રમ્પ માટે અર્થતંત્રમાં મંદીની ચાલ ચિંતા વધારશે.

ટ્રમ્પના સલાહકારોને ડર છે કે નબળું અર્થતંત્ર તેમને નુકસાન કરશે જેમાં મધ્યમ માર્ગી રિપબ્લીકનો અને અપક્ષ મતદારો જેઓ ટ્રમ્પને વધુ એક તક આપવાનું મન બનાવી ચૂક્યા છે તેઓ પણ હવે ચિંતામાં મૂકાયા છે.વ્હાઇટ હાઉસના સલાહકારો હાલની સ્થિતિને ઉલટાવવાના વિકલ્પો અંગે બહુ ઉત્સાહી દેખાતા નથી.

મંદીનો ભય દેખાડવા બદલ ટ્રમ્પે અન્યો પર દોષારોપણ કર્યું હતું. ખાસ તો ફેડરલ રિઝર્વને જે વ્યાજ દરોમાં વધુ કાપ મૂકવા વિચારે છે.ચીન સાથેના વેપાર યુધ્ધના કારણે જ બજારમાં અચોક્કસતા ઊભી થઇ હતી. સમગ્ર વિશ્વના મહત્ત્વના દેશોમાં પણ અર્થતંત્ર નબળું પડતું જાય છે. 

ટ્રમ્પના  ખાસ સલાહકારોએ વેપારના વિવાદને ઘટાડી દેવા સલાહ આપી હતી. નાતાલના વેચાણને બચાવવાના પ્રયાસો  માટે ટ્રમ્પે એકવાર તો ટરિફ દર વધારવામાં વિલંબ પણ કર્યો હતો. મંદીને રોકવા માટે ટ્રમ્પ દ્વારા કેવા પગલાં લેવાશે તે અંગે કોઇને જ ખબર પડતી નથી.

ટ્રમ્પનું 2017નું કરમાં રાહત આપવાનું વચન રાજકીય રીતે એટલું અપ્રિય બન્યું હતું કે કેટલાક રિપબ્લીકનો ગયા વર્ષની મધ્યસત્રી ચૂંટણીમાંથી દૂર થઇ ગયા હતા. ખર્ચની નવી યોજના પક્ષની અંદર જ અનેક વિવાદ પેદા કરી શકે એવું મનાય છે. વહીવટી અધિકારીઓ એવી આશા લઇને બેઠા છે કે  પગારમાં વધારો અને ગ્રાહકોની ખરીદ શક્તિના કારણે 2020માં ટ્રમ્પ ચૂંટણી જીતી જશે.