ઊંઝા / લક્ષચંડી મહોત્સવની આમંત્રણ પત્રિકા દેશ-વિદેશમાં 10 લાખ પાટીદારોના ઘરે મોકલાશે

ઊંઝા / લક્ષચંડી મહોત્સવની આમંત્રણ પત્રિકા દેશ-વિદેશમાં 10 લાખ પાટીદારોના ઘરે મોકલાશે

18થી 22 ડિસેમ્બરે યોજાનારા ધર્મોત્સવ માટે 800 વીઘા જમીન ફાળવાઇ

ઊંઝાઃ સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી 18 થી 22 ડિસેમ્બર દરમ્યાન યોજાનારા લક્ષચંડી મહોત્સવની તડામાર તૈયારીઓ સંસ્થાન દ્વારા હાથ ધરાઇ છે. જેમાં દેશ-વિદેશમાં વસતા 10 લાખથી વધુ પાટીદારોના ઘરે આ મહોત્સવની આમંત્રણ પત્રિકા માનું તેડું પહોંચાડવામાં આવી રહી છે. હિન્દુ સંસ્કૃતિના ત્રીજા નંબરના સૌથી મોટા લક્ષચંડી મહોત્સવ માટે 800 વીઘા જમીન ફાળવવામાં આવી છે. જે પૈકી 300 વીઘામાં 80 ફૂટ ઊંચી યજ્ઞશાળા તેમજ અન્ય પ્રદર્શનો ગોઠવાશે. 500 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાશે.

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞના ચેરમેન બાબુભાઇ પટેલ, ઉમિયા માતાજી સંસ્થાના અધ્યક્ષ મણિભાઇ પટેલ, મંત્રી દિલીપભાઇ નેતાજી, કન્વીનર અરવિંદભાઇ પટેલ, પ્રો.ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મહોત્સવ તૈયારીમાં લાગ્યા છે. રવિવારે સંસ્થાના હોલમાં 8 જિલ્લાની કમિટીઓના હોદ્દેદારોની બેઠક યોજી ચર્ચા કરાઇ હતી. સંસ્થાના હોદ્દેદારોએ કહ્યું કે, ઊઝામાં ટીપી 8 સ્કીમની 800 વીઘા જગ્યામાં 80 ફૂટ ઉંચી યજ્ઞશાળા, બાળનગરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભોજનકક્ષ, વૈવિધ્ય થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિંગ, સહાયતા કેન્દ્ર, મેડિકલ સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરાશે.

ઊંઝામાં વર્ષ 2009 પછી સૌથી મોટા યોજાનાર આ ધાર્મિકોત્સવમાં નગરના યુવાનો દ્વારા અતિથિ દેવો ભવ:ના વારસાને સાકાર કરવા દેશ-વિદેશથી પધારનાર મહેમાનો, યજ્ઞશાળામાં ભાગ લેનાર યજમાનો સહિતને તેમના ઘરે ઉતારો અપાશે.લક્ષચંડી મહાયજ્ઞમાં ઘરદીઠ દીવામાં રૂ.200ની હુંડી સ્વરૂપે ઘીના દીવાનો લાભ કોઇપણ સમાજના શ્રદ્ધાળુ લઇ માના મહાયજ્ઞમાં આહુતિ આપી શકશે. સહસ્ત્રચંડી કરતાં સો ગણો મોટો યજ્ઞ હોઇ ભારતના ચારેય શંકરાચાર્યોને ઊંઝા લાવવા સંસ્થાન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.

લક્ષચંડીની વિશેષતા

  • પાટીદારના ઘરદીઠ દીવો.
  • યજ્ઞમાં દૈનિક 1100 પાટલા, પાંચ દિવસના કુલ 5500 પાટલા
  • અતિથિ દેવો ભવ:માં ઊંઝામાં યજમાન 1225 દંપતી રોકાશે.
  • વાંસ-લાકડાની 80 ફૂટ ઊંચી યજ્ઞશાળા બનશે.
  • યજ્ઞશાળામાં 108 યજ્ઞકુંડ, 700 બ્રાહ્મણ સાથે 3300 બેઠક.
  • 1100 બ્રાહ્મણો એક લાખ ચંડીપાઠ કરશે.
  • 108 યજ્ઞકુંડમાં 10 હજાર હોમ