‘અમારા માટે બીમાર પડયાં છો, તમારું જે થવું હોય તે થાય દંડ ભરવો પડશે’

‘અમારા માટે બીમાર પડયાં છો, તમારું જે થવું હોય તે થાય દંડ ભરવો પડશે’

સાયન્સ સિટી રોડ પર સિમ્સ હોસ્પિટલ પાસે શનિવારે બપોરે તબિયત લથડતાં સિનિયર સિટીઝનને વાહન મુકાવી યુવકો દવાની દુકાને લઈ ગયા પરત આવ્યા તો વાહન ટો થઈ ગયું હતું. યુવકોએ કોન્સ્ટેબલને સમગ્ર વાત કરી પરંતુ કોન્સ્ટેબલે અમારા માટે બીમાર પડયા હતા.

તેવો જવાબ આપતાં યુવકે આઈપીએસને ફોન કરી રજૂઆત કરતાં ચાલુ ફોન કોન્સ્ટેબલે મારો બક્કલ નંબર,નામ લખાવી દો તેવો જવાબ આપ્યો હતો. આખરે આઈપીએસએ કોન્સ્ટેબલને માનવતા દાખવી કાર્યવાહી કરવા સમજાવતા માન્યો હતો.

સોલા સાયન્સ સિટી પર એક્ટિવા લઈને પસાર થતાં સિનિયર સિટીઝનને અચાનક બપોરે શ્વાસની તકલીફ ઊભી થતાં સ્થાનિક યુવકો તેઓ પાસે પહોંચ્યા હતા. એક્ટિવા પાર્ક કરાવી કોમ્પ્લેકેસમાં દવા લેવા દુકાને લઈ ગયા હતા. સિનિયર સિટીઝનને દવા અપાવી યુવકો પરત આવ્યા ત્યારે ટ્રાફિક પોલીસે એક્ટિવા ટોઇંગ કર્યું હતું.

સિનિયર સિટીઝનની તબિયત અંગે રજૂઆત કરી હાજર સોલા ટોઇંગ સ્ટેશનના ટ્રાફિક કોન્સ્ટેબલને યુવકોએ માનવતા દાખવવા જણાવ્યું હતું. જો કે, કોન્સ્ટેબલે અમારા માટે બીમાર પડયા છો, રૂ.૩૫૦ દંડ ભરોને વાહન લઈ જાવ, તમારું જે થવું હોય તે થાય દંડ તો ભરવો જ પડશે.

સિનિયર સિટીઝનની હાલત જોઈને એક યુવકે આઈપીએસ અધિકારીને ફોન જોડયો હતો. સમગ્ર બાબતથી વાકેફ કરી સિનિયર સિટીઝનને મદદ થાય તેવું કરવા આજીજી કરી હતી.

આઈપીએસ અધિકારીએ ટ્રાફિક જવાનને ફોન આપવા માટે કહ્યું હતું. જો કે, ચાલુ ફોને અધિકારી સાંભળે તે રીતે કોન્સ્ટેબલે મારો બક્કલ નંબર, નામ લખાવી દો સાહેબ અને કહો મારી પાસે તેમની જોડે વાત કરવાનો ટાઇમ નથી.

આઈપીએસ કોન્સ્ટેબલને તોછડાઈભર્યા વર્તનને પામી જતાં ફરી યુવકને કોન્સ્ટેબલને ફોન આપવા જણાવ્યું હતું. કોન્સ્ટેબલે ફોન પર વાત કરતાં સામે છેડે અવાજ સાંભળી તે યોગ્ય મુદ્રામાં આવી ગયો હતો.

આઈપીએસએ આવા કિસ્સામાં માનવતા દાખવી કાર્યવાહી કરવા કોન્સ્ટેબલ સાનમાં સમજાવતાં આખરે માન્યો હતો. સિનિયર સિટીઝનની તબિયત વધુ લથડે તેમ હોવાથી યુવકો એક્ટિવા લઈને તેમણે ઘર સુધી મૂકી આવ્યા હતા.