સૌથી મોટો IPO લાવી રહેલી કંપની Paytmની વાત : વિજય શેખર શર્માએ 24% વ્યાજ પર લીધી હતી 8 લાખ રૂપિયાની લોન; માત્ર 10 વર્ષમાં બનવા જઈ રહી છે 2 લાખ કરોડની કંપની

સૌથી મોટો IPO લાવી રહેલી કંપની Paytmની વાત : વિજય શેખર શર્માએ 24% વ્યાજ પર લીધી હતી 8 લાખ રૂપિયાની લોન; માત્ર 10 વર્ષમાં બનવા જઈ રહી છે 2 લાખ કરોડની કંપની

  • પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માના પિતા અલીગઢમાં એક સ્કૂલ ટીચર હતા.
  • વિજયે પહેલાં સેવિંગ્સ હતી તે વાપરી, બાદમાં મોંઘી લોન લઈને કંપની ચલાવી.
  • પેટીએમનો IPO આવ્યા બાદ કંપનીની વેલ્યૂએશન 2 લાખ કરોડ રૂપિયા પહોંચી શકે છે

પેટીએમ દેશનું સૌથી મોટું ડિજિટલ લેવડ-દેવડ માટેનું પ્લેટફોર્મ છે. 2021ના અંત સુધીમાં આ કંપની પબ્લિક થઈ જશે. કંપની ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરમાં લગભગ 22 હજાર કરોડનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આ પહેલાં કોલ ઈન્ડિયાએ 2010માં 15,475 કરોડ અને રિલાયન્સ પાવરે 2008માં 11,700 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કર્યો હતો. જ્યારે એક કંપની પોતાના સ્ટોક કે શેરને પહેલી વખત જનતા માટે જાહેર કરે છે તો તેને ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ એટલે કે IPO કહેવાય છે.

અત્યાર સુધીનો સૌથી મોટો IPO લોન્ચ કર્યા બાદ પેટીએમની વેલ્યૂએશન શું હશે અને કંપનીના ભવિષ્ય પર તેની કેટલી અસર થશે? અમે અહીં આ સવાલોના જવાબ આપતા તે પણ જણાવી રહ્યાં છીએ કે પેટીએમ દેશની સૌથી મોટી ડિજિટલ ટ્રાંજેક્સન કંપની કઈ રીતે બની…

31 મે 2021નાં રોજ પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ એક ટ્વીટ કર્યું. તેને 10 વર્ષ જૂનાં એક ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું, ’10 વર્ષ પહેલાં, જ્યારે પેટીએમની એપ પણ આવી ન હતી.’ તે સ્ક્રીનશોટમાં લખ્યું હતું- ‘સ્માર્ટફોન કંઈ પણ કરી શકે છે. નવા બિઝનેસ મોડલ પણ તૈયાર કરી શકે છે.’ આ ટ્વિટથી તે વાત સાબિત છે કે શર્મા પોતાના સમયથી કેટલું આગળનું વિઝન રાખે છે.

શરૂઆતથી શરૂ કરીએ
પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા અલીગઢના રહેવાસી છે.તેમના પિતા એક સ્કૂલ ટીચર હતા. 12માં સુધીનો તેમનો અભ્યાસ હિંદી મીડિયમમાં થયો. ગ્રેજ્યુએશન માટે તેઓ દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગયા અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. 1997માં કોલેજમાં ભણતા ભણતા તેઓએ Indiasit.net નામની વેબસાઈટની સ્થાપના કરી હતી અને બે વર્ષમાં જ તેને લાખો રૂપિયામાં વેચી દીધી હતી. અહીંથી જ તેમની એન્ટરપ્રેન્યોરશિપ સફરની શરૂઆત થઈ.

દિલ્હીમાં ભાડાના રૂમમાંથી શરૂ થઈ કંપની
વિજયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘દિલ્હીની રવિવારની બજારમાં ફરતો રહેતો હતો અને ત્યાંથી ફોર્ચ્યુન અને ફોર્બ્સ જેવા મેગેઝીનની જૂની કોપીઓ ખરીદતો રહેતો હતો. આવા જ એક મેગેઝીન મને અમેરિકાની સિલિકોન વેલીમાં એક ગેરેજથી શરૂ થનારી કંપની અંગે જાણ થઈ.’ તે બાદ તેઓ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસકરવા ગયા. જ્યાં તેઓને જાણ થઈ કે ભારતમાં સ્ટાર્ટઅપ માટે કોઈ જ સપોર્ટ ન હતો. પરત પરીને તેઓએ પોતાના બચતના પૈસાથી શરૂઆત કરી.

શર્મા જણાવે છે કે, ‘મારા બિઝનેસમાં સૌથી મોટો પાઠ એ હતો કે તેમાં કેશ ફ્લો આવવાનો ન હતો. હું જે ટેક્નોલોજી, કોલ સેન્ટર, કન્ટેટ સર્વિસના ફીલ્ડમાં કામ કરી રહ્યો હતો. ત્યાંથી ઓછા સમયમાં કેશ મળવી મુશ્કેલ હતી. મારા બચતના પૈસા પણ ઝડપથી ખતમ થઈગયા અને તે પછી મારે મારા મિત્રો અને પરિવારના લોકો પાસેથી મદદ લેવી પડી. થોડાં દિવસમાં તે પૈસા પણ ખતમ થઈ ગયા. અંતે મને એક જગ્યાએથી 8 લાખ રૂપિયાની લોન 24% વ્યાજે મળ્યા.’

વિજય શેખર જણાવે છે કે, ‘મને એક સજ્જન મળ્યા અને તેઓએ કહ્યું કે જો તમે મારી નુકસાન કરનારી ટેક્નોલોજી કંપનીને ફાયદામાં લાવી દો, હું તમારી કંપનીમાં રોકાણ કરી શકુ છું. મેં તેમના વ્યવસાયને નફામાં લાવી દીધી અને તેઓએ મારી કંપનીની 40% ઈક્વિટી ખરીદી લીધી. તેનાથી મેં મારી લોન ચુકવી દીધી અને મારી ગાડી પાટા પર આવી ગઈ.’

Pay Through Mobileનું નાનું રૂપ છે Paytm
2010 સુધીમાં વિજય શેખર શર્માની પાસે બિઝનેસના અનેક આઈડિયા આવી ગયા હતા. 2011માં તેને સ્માર્ટફોનથી પેમેન્ટ મોડલ પર કામ કરવાનો નિર્ણય કર્યો. મોબાઈલથી પેમેન્ટ (Pay Through Mobile)નું શોર્ટ ફોર્મ જ Paytm બન્યું. 2014માં મોબાઈલ વોલેટ લોન્ચ કર્યું. ભારતના માર્કેટમાં શરૂઆતી પ્લેયર હોવાને કારણે પેટીએમને ઘણો જ ફાયદો મળ્યો

6 વર્ષ પછી નોટબંધીએ બદલી નાખ્યા પેટીએમના નસીબ
શરૂઆતના 6 વર્ષમાં પેટીએમની પાસે કુલ 12.5 કરોડ કન્ઝ્યૂમર જ હતા. જેનું કારણ ભારતીય કન્ઝ્યૂમરની રોકડ વ્યવહાર પરની નિર્ભરતા. પેટીએમ માટે આ એક મોટો પડકાર હતો. પેટીએમને નાની દુકાનો અને વેપારીઓની સાથે જોડી દીધા બાદ પણ લેવડ-દેવડની સંખ્યા ઓછી જ રહી.

8 નવેમ્બર 2016નાં રોજ રાત્ર 8 વાગ્યે જ્યારે વડાપ્રધાને દેસમાં 500-1000 રૂપિયાની નોટને ગેરકાયદે ગણાવી, તે બાદ પેટીએમએ સૌથી વધુ ચર્ચા જગાવી. એક રિપોર્ટ મુજબ નોટબંધીના એક વર્ષમાં પેટીએમ પર 435% ટ્રાફિક વધ્યો, તો એપ ડાઉનલોડ થવાનો ટ્રાફિક 200% વધી ગયો. કુલ ટ્રાંઝેક્શનની વાત કરવામાં આવે તો તે 250% સુધી વધારો નોંધાયો.

નોટબંધીની જાહેરાતના માત્ર છ જ મહિનામાં ચીની રોકાણકાર અલીબાબા ગ્રુપ અને SAIFએ પેટીએમમાં લગભગ 1500 કરોડ રૂપિયા ઈનવેસ્ટ કર્યા. આ જ કારણ હતું કે 2015માં 336 કરોડ રૂપિયાની રેવેન્યૂવાળી કંપનીએ એવી સ્પીડ પકડી કે માર્ચ 2017માં તેનું રેવેન્યૂ 828.6 કરોડ રૂપિયા થઈ ગયું. પેટીએમએ ઈન્ડિયન ક્રિકેટ ટીમની સ્પોનરશિપ પણ કરી, તેનાથી પણ તેની બ્રાંડ ઈમેજ ઘણી જ મજબૂત થઈ. જે બાદ ગત વર્ષે શરૂ થયેલા કોરોના સંકટે પેટીએમને પહેલી વખત 1 અબજ ડોલર (લગભગ 7,313 કરોડ)ની કંપની બનાવી દીધી.

પેટીએમની પાસે હાલ લગભગ 20 સહાયક કંપનીઓ
પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ છે. વિજય શેખર શર્મા હાલ કંપનીના હેડ છે. આ પેરેન્ટ કંપનીની 14 સબ્સિડિયરી કંપની, એક જોઈન્ટ વેન્ચર અને અનેક એસોસિએટ કંપનીો છે. આ કંપની ડિજિટલથી આગળ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ફાયનાન્સિયલ સર્વિસિઝ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજિટલ વોલેટની સેવાઓ પણ આપે છે. આ યુપીઆઈ આધારીત પેમેન્ટ સેવા પણ આપે છે.પેટીએમની હરિફાઈ ફોન પે, ગુગલ પે, એમેઝોન પે અને ફેસબુકના વ્હોટ્સએપ પેની સાથે છે. આ ભારતના મર્ચન્ટ પેમેન્ટના મામલામાં સૌથી વધુ ભાગીદારી રાખે છે. પેટીએમની પાસે 2 કરોડથી વધુ મર્ચન્ટ પાર્ટનર્સ છે. તેનાથી ગ્રાહક મહિનામાં 1.4 અબજ ટ્રાંઝેક્શન કરે છે.

IPO પછી બની જશે 2 લાખ કરોડની કંપની
પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ છે. કંપની IPOની મદદથી પોતાની વેલ્યૂએશન લગભગ 2 લાખ કરોડ સુધી લઈ જવા માગે છે. કંપનીએ 28 મે 2021નાં રોજ મળેલી એક બેઠકમાં તેની સેદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. કંપની દિવાળી સુધીમાં IPO લાવવાની યોજના બનાવી રહી છે. પેટીએમના શેરધારકોમાં એન્ટ ગ્રુપ (29.71%), સોફ્ટબેંક વિઝન ફંડ (19.63%), સેફ પાર્ટનર્સ (18.56%), વિજય શેખર શર્મા (14.67%) સામેલ છે. આ ઉપરાંત એજીએએચ હોલ્ડિંગ, બર્કશાયર હેથવે, ટી રો પ્રાઈશ અને ડિસ્કવીર કેપિટલ હોલ્ડની પાસે કંપનીમાં 10% થી ઓછી ભાગીદારી છે.

2020માં 3,281 કરોડ રેવેન્યૂ, પરંતુ 6,226 કરોડનો ખર્ચ
નાણાકીય વર્ષ 2019માં કંપનીની રેવેન્યૂ 3,232 કરોડ રૂપિયા જ્યારે 2020માં 3,281 કરોડ રૂપિયા રહી છે. તેના ખર્ચાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2019માં કુલ ખર્ચ 7,730 કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે 2020માં 6,226 કરોડ રૂપિયા રહ્યો છે. નુકસાન 2019માં 4,217 કરોડ જ્યારે 2020માં 2,942 કરોડ રૂપિયા રહ્યું છે. એવામાં સવાલ થઈ રહ્યાં છે કે પેટીએમના રોકાણકારોને કંપની નફામાં પોતાનું પર્ફોમન્સ કરશે તેવી આશા ક્યારે કરવી જોઈએ?

માર્કેટ રિસર્ચ ફર્મ બર્નસ્ટીનના એક રિપોર્ટ મુજબ પેટીએમની પેમેન્ટ વગરની સેવાઓનો વિસ્તાર થઈ રહ્યો છે. પેટીએમ ધીમે-ધીમે પેમેન્ટ સેવાઓ પર પોતાની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. તેઓ ક્રેડિટ ટેક, ઈન્સ્યોરન્સ અને વેલ્થ ટેકથી પોતાની આવક વધારવાના પ્રયાસ કરી રહ્યાં છે. કંપનીના આ ત્રણ યુનિટ તેને ફાયનાન્સિયલ સર્વિસની ‘સુપર એપ’ બનાવી શકે છે. તેનાથી કંપની નુકસાનમાં જલદીથી બહાર આવશે તેવી આશા સેવાઈ રહી છે.

( Source – Divyabhaskar )